સોમવારના કેટલાક નિવેદનમાં અસામ્યતા લાગતા આજે બળવંતસિંહના વકીલ દ્વારા કોર્ટમાં વીડિયો સીડી બતાવવાની રજુઆત કરવામાં આવી, જેનો અહેમદ પટેલના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો. આ મુદ્દે આશરે 1 કલાક જેટલી લાંબી દલીલો બાદ કોર્ટે અહેમદ પટેલના વકીલના વાંધાને ફગાવ્યો અને સીડી બતાવાની મંજૂરી આપી હતી.
અહેમદ પટેલની હાઈકોર્ટમાં ચોથા દિવસની જુબાનીનો ઘટનાક્રમ-સીડીમાં કુલ 3 વિભાગ હતા
- પહેલો વીડિયો - ખાનગી ચેનલનો એરપોર્ટ ફૂટેજનો વીડિયો
ધારાસભ્યોનો બેંગલોરથી અમદાવાદ એરપોર્ટ પર ખાનગી સમાચાર એજન્સીને આપેલો ઇન્ટરવ્યુ બતાવતા અહેમદ પટેલે વીડિયોમાં પોતે હાજર હોવાનું સ્વીકાર્યું હતું. તેમજ જણાવ્યું કે, આ વીડિયો ક્યાંનો છે, કઇ તારીખનો છે અને કોના દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે એ ખબર નથી.
- બીજો વીડિયો - નિજાનંદ રીસૉર્ટ પ્રેસ કોન્ફરન્સ
અહેમદ પટેલે પહેલા જણાવ્યું હતું કે, પ્રેસ કોન્ફરન્સ સાંજે કરી હતી પરંતુ સોમવારે તેમણે કહ્યું કે, રાત્રે 9.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલને સોમવારે ફોટો બતાવવામાં આવ્યો હતો. તેમાં તેમણે 8મી ઓગસ્ટનો ફોટો હોવાનું જણાવ્યું હતું. જ્યારે એજ ફોટો આજે 7મી ઓગસ્ટનો હોવાનો દાવો કર્યો હતો. જે સંદર્ભે અસામ્યતા દેખાઈ આવતા કોર્ટે ટકોર કરી હતી કે, તમારે જે કહેવું હોય એ કહી શકો છો પણ વાસ્તવિકતાને નકારો નહીં. આ સવાલના જવાબમાં પટેલે કહ્યું કે, મારી ઉંમર 70 વર્ષ થઈ ગઈ છે, હવે મને એટલું યાદ રહેતું નથી અને મારી મેમરી શાર્પ નથી.
- ત્રીજો વીડિયો -અહેમદ પટેલનો 8 ઓગસ્ટ સવારના તાજ હોટેલનો
અહેમદ પટેલે 8 ઓગસ્ટની સવારનો તાજ હોટેલ ખાતેના ઇન્ટરવ્યુનો સ્વીકાર કર્યો, પરતું ક્યાં અને કેટલા વાગ્યાનો છે તેની ખબર ન હોવાની જુબાની આપી હતી.
જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં મંગળવારે ચોથા દિવસે અહેમદ પટેલે કહ્યું કે, ખાનગી ચેનલનો વીડિયો અન્ય કોઈ દિવસનો છે અને એકપણ ધારાસભ્ય દેખાતા નથી. તેમજ ચેનલ પર જે સ્ક્રોલ ચાલી રહ્યાં છે તે ખોટા હોવાનો અહેમદ પટેલે દાવો કર્યો હતો.
અહેમદ પટેલની ઉલટ તપાસ પુરી થઈ છે અને આવતીકાલે અહેમદ પટેલ દ્વારા બે જુદી જુદી અરજી કરવામાં આવી છે તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે. અહેમદ પટેલ વતી કરાયેલી પહેલી અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે, ઈલેક્શન પીટીશને જે કોપી અહેમદ પટેલને આપી છે એ ખોટી છે કે સાચી તેની તપાસ કરવામાં આવે. જ્યારે બીજી અરજીમાં બળવંતસિંહના લિસ્ટમાંથી અમિત શાહ તેમજ સ્મૃતિ ઈરાનીનું નામ બાકાત રાખવા અરજી કરાઈ હોવાની વિગતો સામે આવી છે. અમિત શાહ, સ્મૃતિ ઈરાની લોકસભાના સભ્યો તરીકે ચૂંટાયા હોવાથી તેમના નામ કમી કરવા મુદ્દે અહેમદ પટેલ દ્વારા અરજી કરાઈ હતી.
સોમવારે અહેમદ પટેલે જુબાનીમાં જણાવ્યું હતું કે, કોઈપણ ધારાસભ્યને લાંચ આપી નથી કે ડરાવ્યા ધમકાવ્યા નથી. 44 ધારાસભ્યોને બેંગલોર મોકલવાનો નિર્ણય મારો નથી, પરંતુ આ નિર્ણય કોંગ્રેસ પ્રદેશ કમિટિ દ્વારા લેવામાં આવ્યો હતો. ધારાસભ્યો જ્યારે બેંગલોરમાં હતા ત્યારે વ્યકિતગત સંપર્ક ન હોવાનું પણ તેમણે સ્વીકાર્યુ હતું. પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી દ્વારા માહિતી આપવામાં આવતી હોવાની તેમણે કબુલાત કરી હતી. હાઈ-કમાન્ડની બેઠકમાં રાજ્યસભા માટે નામ નકકી થતાં 27મી ઓગસ્ટના રોજ સૌ-પહેલાં બળવંતસિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું.
બળવંતસિંહ રાજપુતના વકીલ સત્યપાલ જૈને આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યોના બળજબરીપૂર્વક મત મેળવવા માટે પોલિંગ એજન્ટ શકિતસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાનો વ્હીપ ઈશ્યુ કરી અહેમદ પટેલને મત આપવા, ડરાવવા - ધમકાવવાનો આરોપ અહેમદ પટેલે ફગાવી દીધો હતો. ધારાસભ્યોને જ્યારે બેંગલોર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ભરતસિંહ સોલંકીને આવું કંઈ ન કરવાની ભલામણ કરી હતી. ધારાસભ્યોના બેંગલોર પહોંચ્યા બાદ ત્યારથી અમદાવાદ પરત ફર્યા ત્યાં સુધી વ્યકિતગતરૂપે કોઈ ધારાસભ્ય ન મળ્યા હોવાની જુબાની કોર્ટ સમક્ષ આપી હતી. એટલું જ નહીં ધારાસભ્યો બેંગલોરમાં શું કરી રહ્યાં છે તેની તપાસ પણ કરાઇ નથી.
આ પહેલા જુબાનીમાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ઓબ્ઝર્વર અને પોલિંગ એજન્ટની નિમણુંક અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી હતી. જો કે, આજે તેને ફેરવી તોડતા તેમણે જણાવ્યું કે, જનાર્દન ત્રિવેદી દ્વારા નિમણુંક કરાઈ હતી. શકિતસિંહ ગોહિલ અને મોહનસિંહ રાઠવા દ્વારા 7 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે રિટ કરી હોવાની જાણ ન હોવાની અહેમદ પટેલે કબુલાત કરી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના બે ધારાસભ્ય રાવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે નિયમ વિરુદ્ધ જઈને પાર્ટીના પોલિંગ એજન્ટ સિવાય અન્ય લોકોને મતપત્રક બતાવ્યા હતા અને ત્યારબાદ ભારે ધમાલ થઈ હતી. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરાતા બંને ધારાસભ્યોના મતને ગેરકાયદેસર ગણવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના અહેમદ પટેલના 44 મત અને બળવંતસિંહના 38 મત થઈ જતા અહેમદ પટેલનો વિજય થયો હતો. આ જીતને રદ્દ કરવા હાઇકોર્ટમાં રિટ કરાઈ હતી.