અમદાવાદ જિલ્લાને 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ મળ્યો છે. અમદાવાદના કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીના હસ્તે સ્વીકાર્યો હતો. આ ઉપરાંત કલેકટર ડૉ.વિક્રાંત પાંડેને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત 2017-18ના વર્ષમાં સેક્સ રેશિયો એટલે કે છોકરાં- છોકરી વચ્ચેનું પ્રમાણ શહેરી વિસ્તારમાં એક હજારે 894 હતું, જે વધીને 907 થયુ છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ 906 હતું તે 944 થયું છે. અમદાવાદ જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમ કરાયા હતાં. આ ઉપરાંત સેમિનારનું આયોજન કરાયુ હતું.
ગ્રામસભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત 385 ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ ફેલાવાઈ હતી. અમદાવાદ જિલ્લાના 463 ગામમાં કન્યા કેળવણી માટે રેલીઓ યોજાઈ હતી. વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોએ ભેગા મળી આ કામગીરી કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દિકરીઓનું મહત્વ સમજાવીને માતા-પિતાને દિકરીને ભણાવીને સશક્ત બનાવવા માટે પ્રેરિત કરાયા હતાં. શહેરી વિસ્તારમાં 48 બીઆરટીએસ સ્ટોપ પર 400 બોર્ડ, 600થી વધુ બેનર્સની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવાયુ હતું.