સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગમાં ચોથે માળ ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસમાં આગ લાગવાના કારણે વીસેક વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ ઘેરી નિંદ્રામાં પોઢી ગયેલું તંત્ર અચાનક જાગ્યુ છે અને મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ ટ્યુશન ક્લાસીસ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનું ફરમાન કર્યુ છે.
બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરી અમદાવાદના નગરજનોને સંદેશો પાઠવ્યો છે. તેઓએ અમદાવાદના તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરી દેવાનો હુકમ કર્યો છે. વિજય નહેરાએ ટ્વીટ કર્યુ હતુ કે હું અમદાવાદ શહેરના શહેરીજનોનો સહયોગ માંગુ છુ, શહેરમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં મદદ કરે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના તમામ અધિકારીઓ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવે, જ્યાં સુધી બીજો કોઈ ઑર્ડર જાહેર ન થાય ત્યાં સુધી.
આ સાથે જ અમદાવાદના નગરજનોને સંદેશ આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદના શહેરીજનોએ પોતાના બિલ્ડિંગ અને સોસાયટીના મેનેજમેન્ટને ફાયર સેફ્ટી અને ફાયરના સાધનો તમારી બિલ્ડીંગમાં કામ કરી રહ્યાં છે કે નહીં ? તે પ્રશ્ન કરીને પોતાના પરીવારજનોનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.