ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે, વિશ્વમાં યુનિવર્સિટી રેન્કિંગ માટે અનેક વ્યવસ્થા હાજર છે. ત્યારે વિદેશમાં એક જ કેમ્પસ ધરાવતી યુનિવર્સિટીઓ છે, જ્યારે ભારતની યુનિવર્સિટીઓમાં એક યુનિવર્સિટી સાથે વિવિધ વિસ્તારોમાં કાર્યરત કોલેજો સંલગ્ન હોય છે. જેથી વિદેશી યુનિવર્સિટીઓથી સારી કામગીરી બજાવી રહેલી યુનિવર્સિટીઓ રેન્કિંગ વ્યવસ્થામાં પાછળ રહી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય શિક્ષણ મંડળ તરફથી ગ્લોબલ યુનિવર્સિટી રેન્કિંગ યુટીલીટી (ગુરૂ) સિસ્ટમ શરૂ કરવામાં આવશે. જેમાં IIT તેમજ NIT સહિત 60થી વધુ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ આ કરાર પર સહી સિક્કા કરી ચૂક્યા છે.
ભારતીય શિક્ષણ મંડળ દ્વારા GTU સાથે કરાર કરનાર મુકુલ કાનિટકરે જણાવ્યું હતું કે, ગુરૂ રેન્કિંગ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓના માતાપિતા અને ઉદ્યોગના પ્રતિભાવોની પણ ગણતરી કરવામાં આવશે. વિદેશમાં જેમ વિદ્યાર્થીઓમાં પ્રેક્ટીકલ કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે, એવી વ્યવસ્થા ભારતમાં પણ થવી જોઈએ. આ પ્રસંગે ભારતીય શિક્ષણ મંડળના ડૉ. રાજેશ બેનિવાલ, રાજેન્દ્ર પાઠક, વિશિષ્ટ પાંડે અને રાજગોપાલન સુબ્રમણ્યમ સહિતનું પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહ્યું હતું. GTUના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ એસ.ડી.પંચાલે સૌનું સ્વાગત કર્યું હતું. તેમજ આભારવિધિ GTUના IPR વિભાગના ઈન્ચાર્જ અમિત પટેલે કરી હતી.