અમદાવાદ : શોર્ટકટમાં પૈસા કમાવવા લોકો અલગ અલગ કીમિયાઓ અપનાવતા હોય છે. આવી જ તાજેતરમાં રિલીઝ થયેલી ફર્જી વેબ સિરીઝ જેવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. અમદાવાદની સરદારનગર વિસ્તારમાં આવેલી પાલવ હોટલમાં રૂમ રાખી કેટલાક શખ્સો નકલી નોટો છાપતા હતા. સરદારનગર પોલીસે માહિતી મળતા પાલવ હોટલના રૂમ નંબર 213માં દરોડા કર્યા હતા. ત્યારે સંજય માળી, જયદીપ સોલંકી અને ભરત ચાવડા નામના આરોપી ઝડપાયા હતા. જ્યાં તેમની પાસેથી 500 અને 100ના દરની નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટો છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નકલી નોટનું કાવતરું : નકલી નોટો છાપવાનો માસ્ટર માઈન્ડ ભરત ચાવડા છે, જેણે સંજય માળી સાથે મળીને નકલી નોટ બનાવવાનું કાવતરું રચ્યું અને જે છાપવા માટે એક પ્રિન્ટર ખરીદ્યું. ત્યાર બાદ કાગળ લાવ્યા હતા, આ આરોપીએ નકલી નોટો બનાવવા માટે હોટલમાં રૂમ બુક કરાવતા હતા. પાલવ હોટલમાં પણ રૂમ બુક કરાવ્યો હતો. જ્યાં 500 તેમજ 100 રૂપિયાના દરની નોટોની કલર પ્રિન્ટ કાઢીને નકલી નોટો બનાવી હતી.
આ પણ વાંચો : Amreli Crime News : નકલી નોટો માર્કેટમાં લાવે તે પહેલા પોલીસે 3ને ઝડપ્યા, સોશિયલ મીડિયા પર રચ્યું કાવતરું
કેવી રીતે બજારમાં નોટ લાવતા : આ અંગેની માહિતી સરદારનગર પોલીસને મળતા તેઓએ નકલી નોટો અને સામગ્રી સાથે ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. આ નકલી નોટના નેટવર્કમાં ભરત ચાવડા નોટ બનાવવા અને બજારમાં ફેરવવાની જવાબદારી લીધી હતી. તો બીજી તરફ સંજય માળીએ પ્રિન્ટર અને કાગળની સામગ્રીની જવાબદારી લીધી હતી. જ્યારે જયદીપ સોલંકી પણ ગાડીમાં અલગ અલગ હોટલમાં નકલી નોટની સામગ્રી ટ્રાન્સફર કરતો હતો.
આ પણ વાંચો : Ahmedabad Crime : યુવકે બુલિયન વેપારીને નકલી નોટો પધરાવી 500 ગ્રામ સોનું છેતરીને લઇ ગયો, અમદાવાદ પોલીસ પકડી લાવી
15 દિવસથી નકલી નોટોની કામગીરી : ફર્જી વેબ સિરીઝ જોઈને આરોપીઓએ 15 દિવસથી નકલી નોટો બનાવવાની શરૂ કરી હોવાની શક્યતાને લઈને તપાસ શરૂ કરી હતી. નકલી નોટમાં પકડાયેલા આરોપી ભરત ચાવડા વિરુદ્ધ અગાઉ નિકોલમાં છેતરપીંડીને લઈને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. હાલમાં સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને નકલી નોટ ક્યાં આપી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના PI પી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે આરોપીઓને ઝડપીને તપાસ હાથ ધરી છે અને નકલી નોટોના નેટવર્ક અંગે આરોપીઓને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.