અમદાવાદ: શહેરમાં અત્યાર સુધીના લોકડાઉન દરમિયાન કલમ 144નો ભંગ, એપેડેમીક એક્ટ, હંગામો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કુલ 15,220 ગુના નોંધવામાં આવ્યા છે અને 23,376 લોકોની અટકાયત કરવામાં આવી છે.
બિનજરૂરી બહાર નીકળતા અનેક લોકોના વાહનો જપ્ત કરીને તેમની પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યો છે. પોલીસે ડ્રોન, CCTV સર્વેલન્સ, PCR વાનના પેટ્રોલીંગ, વીડિયોગ્રાફી દ્વારા ગુના નોંધ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર વિરૂદ્ધ 16 ગુના નોંધી 24 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
261 પોલીસકર્મી પણ કોરોના વાઇરસમાં સપડાયા હતા. જે પૈકી 151 અધિકારી અને કર્મચારી સ્વસ્થ્ય થઇને પરત ફરજ પર ફર્યા છે, જ્યારે હજુ 110 કેસ એક્ટિવ છે. પોલીસની C ટીમ દ્વારા 151 હોમ કોરેન્ટાઈન કરેલા અને સિનિયર સિટીઝનની મુલાકાત લેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસની જેટ ટીમ દ્વારા પણ સેનીટાઈઝર, ફૂડ પેકેટ અને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો પોલીસ દ્વારા પરપ્રાંતીયોને સેલ્ટર હોમ સુધી પણ પહોંચાડવામાં આવી રહ્યા છે.