તેલ અવીવ : લેબનોનમાં હિઝબુલ્લાહ સામેના હુમલો વચ્ચે ઇઝરાયેલી સેનાએ રવિવારના રોજ યમનમાં હૂતી બળવાખોરોના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાવર પ્લાન્ટ્સ અને એક બંદરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ હૂતીઓએ આ પ્રદેશમાં લશ્કરી પુરવઠો અને તેલ તેમજ ઈરાની શસ્ત્રો ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો.
યમનમાં ઇઝરાયેલનો હુમલો : ઈઝરાયેલના હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા અને કેટલું નુકસાન થયું છે, તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. બીજી તરફ આ પછી પશ્ચિમ એશિયામાં ક્ષેત્રીય સંઘર્ષ વધવાની આશંકા છે. ઇઝરાયેલી સૈન્યએ રવિવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફાઈટર જેટ સહિત તેના ડઝનેક વિમાનોએ યમનમાં રાસ ઇસા અને દરિયાકાંઠાના શહેર હુદૈદહમાં પાવર પ્લાન્ટ્સ અને દરિયાઈ બંદર સુવિધાઓ પર હુમલો કર્યો હતો.
Reports of an Israeli airstrike in the Yemen coastal city of Hodeidah pic.twitter.com/mQj1aC5ede
— Emanuel (Mannie) Fabian (@manniefabian) September 29, 2024
ઇઝરાયેલ દ્વારા વળતો જવાબ ? કતારના મીડિયા ગ્રુપ અલ-જઝીરાના અહેવાલ મુજબ સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, ઇઝરાયેલના હવાઈ હુમલાના કારણે હુદૈદહ શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ હુમલાના એક દિવસ પહેલા હુતી વિદ્રોહીઓ દ્વારા ઈઝરાયેલમાં તેલ અવીવ નજીકના બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી.
ઈઝરાયેલ વિરુદ્ધ હૂતી હુમલા : ગાઝા યુદ્ધ શરૂ થયા પછી ગત વર્ષે નવેમ્બરથી ઉગ્રવાદી જૂથ હૂતીએ લાલ સમુદ્ર, એડનની ખાડી અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાં ઇઝરાયેલ અને તેની સાથે જોડાયેલા જહાજો પર વારંવાર હુમલા કર્યા છે. હુતીઓનું કહેવું છે કે તેઓએ ગાઝામાં યુદ્ધનો સામનો કરી રહેલા પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે ઇઝરાયલ વિરુદ્ધ હુમલા કર્યા હતા.
ઇઝરાયલી સૈન્યનું નિવેદન : ઇઝરાયલી સૈન્યના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "છેલ્લા એક વર્ષથી હૂતીઓ ઇરાનના નિર્દેશન અને ફાઇનાન્સિંગ હેઠળ અને ઇરાકી મિલિશિયાના સહયોગથી ઇઝરાયેલ પર હુમલો કરવા, પ્રાદેશિક સ્થિરતાને નષ્ટ કરવા અને નેવિગેશનની વૈશ્વિક સ્વતંત્રતાને વિક્ષેપિત કરવા માટે કામ કરી રહ્યા છે. IDF ઇઝરાયેલી નાગરિકો માટેના તમામ જોખમો સામે કોઈપણ અંતરે પ્રહાર કરવા માટે પ્રતિબદ્ધ છે."
સીરિયામાં યુએસ એર સ્ટ્રાઈક : બીજી તરફ પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે યુએસ આર્મીએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે સંકળાયેલા જૂથના કેમ્પ પર હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાએ રવિવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે, બે હુમલામાં બે ટોચના આતંકવાદીઓ સહિત 37 આતંકવાદીઓ માર્યા ગયા.
37 આતંકવાદીઓ માર્યા ગયા : યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે, તેમણે મંગળવારના રોજ ઉત્તર-પશ્ચિમ સીરિયામાં હુમલા શરૂ કર્યા, જેમાં લશ્કરી કામગીરીની દેખરેખ રાખતા અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના એક મુખ્ય આતંકવાદી અને અન્ય આઠને નિશાન બનાવ્યા હતા. આ પહેલા 16 સપ્ટેમ્બરના રોજ અમેરિકાએ સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ચાર સીરિયન નેતાઓ સહિત 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા.