અમદાવાદ: ઈસનપુર વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. વિસ્તારમાં સવારના સમયે એક બસના ડ્રાઈવરે દારૂના નશામાં બેફામ રીતે બસ ચલાવી હતી. જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસ ચાલકે અંતે એક વાહનને ટક્કર મારી બસને બ્રેક મારતા ત્રણ મુસાફરોની ઈજાઓ થઈ છે. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેવી રીતે સર્જાઈ ઘટના: ઈસનપુર વિસ્તારમાં રહેતા રયેશભાઈ ભરવાડ સવારના 11 વાગે પોતાના મિત્ર હર્ષ પ્રજાપતિ સાથે ઈસનપુર વિસ્તારમાં બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા હતા. ત્યારે તેઓની મોટર સાયકલને એક AMTS બસે પાછળથી ટક્કર મારી હતી. તેઓએ પાછળ જોતા બસની અંદરના મુસાફરો બસ રોકો, બસ રોકો તેવી બુમો પાડતા હતા. જેથી તેઓએ બસ ચાલકને બસ સાઈડમાં કરવાનું કહેતા બસ ડ્રાઈવરે બસ આડી અવડી ચલાવી બ્રિજના છેડે એક બીમ સાથે અથડાવી દીધી હતી. જે બાદ બસ ચાલકે થોડી આગળ લઈ જઈને બસને ઉભી રાખી હતી.
બસનો ડ્રાઈવર હતો નશામાં: જે બાદ ફરિયાદી રયેશ ભરવાડ બસ પાસે પહોંચતા મુસાફરોએ જણાવ્યું હતું કે બસનો ડ્રાઈવર દારૂના નશામાં છે અને ક્યારનો બસ ગફલતભરી રીતે ચલાવે છે. જેના કારણે આગળ પણ અકસ્માત થતા રહી ગચો છે. જેથી બસ ચાલકને નીચે ઉતારી તેણે દારૂ પીધેલો હોવાનું જણાતા આ મામલે પોલીસને જાણ કરવામા આવી હતી.
AMTS બસના ડ્રાઈવરની ધરપકડ: બસ ચાલકની પૂછપરછ કરતા તેનુ નામ સુરેશ ચાવડા (43) અને તે નિકોલનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું તેમજ તે છેલ્લાં 3 વર્ષથી AMTS બસ કોન્ટ્રાક્ટ પર ચલાવતો હોવાનું જણાવ્યું હતું. બસનો નંબર તપાસતા GJ01FT1108 અને તે 96 નંબરના રૂટની અને સિવિલ હોસ્પિટલથી વટવા રેલવે કોલોની બસ હતી. આ મામલે જે ડિવીઝન ટ્રાફિક પોલીસે બસ ચાલક સુરેશ પરથીજી ચાવડા સામે IPC ની કલમ 279, 337 મોટર વાહન અધિનિયમ 177, 184, 185 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે.
સવારના સમયે બસ ચાલક દારૂના નશામાં બસ ચલાવતો હતો અને તેણે અકસ્માત સર્જયો હતો. આ ઘટનામાં બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે. હાલ બસ ચાલકની ધરપકડ કરી વધુ તપાસ ચાલુ છે. - ડી. એસ પુનડિયા, ACP, ટ્રાફિક વિભાગ, અમદાવાદ