અમદાવાદ : આરોપી જે તે કેસમાં ગુનેગાર સાબિત થયા બાદ જેલના સળીયા પાછળ દિવસો કાઢતા હોય છે. જોકે, મહત્વના કારણોથી નિયમાનુસાર કેદીને પેરોલ પર રજા આપવામાં આવતી હોય છે. પરંતુ આવા કેદી ક્યારે પેરોલ પર ગયા બાદ ફરાર થઈ જતા હોય છે. આવો જ એક હત્યાનો ગુનેગાર પેરોલ પર ગયા બાદ ફરાર હતો. જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ક્રાઈમબ્રાંચની કામગીરી : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરેલા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ PI એમએલ સાલુકેની ટીમ પેરોલ ફલો જમ્પ આરોપીને પકડવા માટે કાર્યરત હતી. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.
હત્યાનો ગુનેગાર : 43 વર્ષીય આરોપી ભદ્રેશ ઉર્ફે ભુરજી મફાજી ઠાકોર જામીન મેળવ્યા બાદ છેલ્લા ચાર મહિનાથી પેરોલ પર ફરાર હતો. આરોપી વિરુદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે હત્યાના ગુનેગારને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં હત્યાના કેસમાં ગુનેગાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો.
પોલીસ કાર્યવાહી : ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેદી નંબર 15880 ને 5 ઓગસ્ટ 2023 ના રોજ 17 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. કેદીને 23 ઓગસ્ટના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ જે જેલ પર હાજર ન થયો અને વચગાળાના જામીન પરથી ફરાર થયો હતો. પોલીસે હાલમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ : આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય વિગતો પણ સામે આવી હતી. જે અનુસાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી વિરુદ્ધ દરિયાપુર, ગુજરાત યુનિવર્સિટી, માધવપુરા અને અડાલજ સહિતના પોલીસ સ્ટેશનમાં 23 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં પ્રોહિબિશન એક્ટ, હત્યા અને મારામારી સહિતના ગુનાનો આરોપ છે.