અમદાવાદ : ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલા કેસ બાબતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ ભાજપ આદિવાસી સમાજ વિરોધી પાર્ટી હોવાનું કહી ભાજપ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
આપ નેતાનો ભાજપ પર આક્ષેપ : ઈસુદાન ગઢવીએ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલ ફરિયાદ બાબતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપે ચૈતર વસાવા પર ખોટી ફરિયાદ કરાવી છે, ભાજપ આદિવાસી વિરોધી પાર્ટી છે. આદિવાસી લોકો વચ્ચે ચૈતર વસાવા ખૂબ જ લોકપ્રિય હોવાને કારણે ભાજપે હવે આદિવાસીના રોષનો સામનો કરવો પડશે. ભાજપે ચૈતર વસાવા પર ખોટો કેસ કરી તેમના પત્નીને જેલમાં પૂરતા ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડીયાપાડામાં સ્વયંભૂ સંપૂર્ણ રીતે બંધ પાળવામાં આવ્યું છે.
શું હતો મામલો ? ડેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા પર 30 ઓક્ટોબરની ઘટનાને લઈ ફરિયાદ થઈ છે. આ ઘટનાની વિગતો જોઈએ તો તેમાં એક ખેડૂતને સનદની જમીન આપવામાં આવી છે, જેમાં કપાસનું વાવેતર કરતા ફોરેસ્ટના અધિકારીઓએ વાવેતર ઉખાડી નાખ્યું હતું. આ ઘટના બન્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓને ફોન કરી ખેડૂતોને વાવેતરનું વળતર ચૂકવવા કહ્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ ખેડૂતોને 30 હજારનું વળતર પણ ચૂકવ્યું હતું, જેના ફોટા પણ છે અને સમાધાન પણ થઈ ગયુ હતુ.
ઈસુદાનનો પડકાર : પરંતુ ઘટનાની જાણ ભાજપના એક મોટા નેતાને થતા અધિકારીઓને દબાવી 2 નવેમ્બરના રોજ ખોટી ફરિયાદ કરાવી હોવાનો આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આક્ષેપો કર્યા હતા. આ અંગે ઈસુદાને જણાવ્યું હતું કે, FIR માં ધારાસભ્ય ચૈતર વસાવાએ રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરવાનો ઉલ્લેખ છે. પરંતુ તપાસ દરમિયાન કોઈ કારતૂસ મળ્યા નથી. વળતર ચૂકવાયું તેને ખંડણીમાં ગણાવ્યું, સનદ હોવા છતાં અધિકારીઓ ખેતરમાં કેવી રીતે ઘૂસી શકે એ અંગે અમારી લિગલ ટીમ અભ્યાસ કરી રહી છે, અમે પણ ફરિયાદ નોંધાવીશું.
લોકસભા ચૂંટણી તૈયારી : તો બીજી તરફ ઈશુદાન ગઢવીએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી લોકસભાની ટિકિટ આપી શકે છે અને પોતાના વિસ્તારમાં ચૈતર વસાવાની જીત ફાઇનલ હોવાના ડરને કારણે જ ભાજપે આવી ખોટી ફરિયાદ કરાવી હોવાનું નિવેદન આપ્યું હતું. ઈશુદાન ગઢવીએ વધુમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, INDIA ગઠબંધન કેન્દ્રીય સ્તરે લાગુ થશે તો ગુજરાતમાં પણ ગઠબંધન થશે.