- અશક્ય સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ
- ડૉકટર્સે કમરના મણકાની રિવિઝન સ્પાઇન સર્જરી કરી
- બે જ દિવસમાં દુઃખાવામાંથી મુક્તિ અપાવી
અમદાવાદ : રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી પુષ્પાદેવી સોનીની ઉંમર પંચાવન વર્ષ છે. ગત 20 વર્ષથી તેમને કમરમાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવાના લીધે પુષ્પાદેવીને ઊભા રહેવામાં કે ચાલવામાં ખુબ તકલીફ પડતી હતી. આ દુઃખાવામાંથી છૂટકારો મેળવવા તેમણે અગાઉ ખાનગી હોસ્પિટલોમાં વર્ષ 2000 અને વર્ષ 2014માં, એમ બે વખત ઑપરેશન કરાવ્યું હતું, પરંતુ સરવાળે ‘દળી દળીને ઢાંકણીમાં ભર્યું’ એ ઉક્તિની જેમ કોઇ જ ફરક પડ્યો ન હતો. નાણાંકીય વ્યય તો થયો જ, ઉપરાંત તકલીફ ઘટવાના બદલે ધીરેધીરે વધતી જતી હતી. ગત 3 વર્ષથી પુષ્પાબહેનને અસહ્ય દુઃખાવાની સમસ્યા રહેતી હતી. આ પીડામાં રાહત માટે પુષ્પાદેવીના પરિવારજનોએ ઘણી બધી ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડિક ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો, પરંતુ ક્યાંય દર્દીને સંતોષકારક સારવાર મળી ન હતી.
![Revision Spine Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-spine-surgery-in-civil-hospital-photo-story-7202752_13032021171744_1303f_1615636064_855.jpeg)
આ પણ વાંચો - અમદાવાદ: નૂતન વર્ષની રાત્રે સિવિલમાં કોરોનાનો વધુ એક વોર્ડ ખોલવામાં આવ્યો
મણકાના સ્ક્રૂ તૂટી ગયા હતા
આખરે પુષ્પાદેવી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં એક્સ-રે, MRI તથા સિટી સ્કેન કરતાં જાણવા મળ્યું કે, પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન દરમિયાન મૂકવામાં આવેલા સ્ક્રૂ તુટેલા હતાં તથા કમરનાં 4 મણકાંમાં પણ સ્પોન્ડિલોલિસ્થેસિસ (spondylolisthesis) નામની તકલીફ હતી. આ સ્પોન્ડિલોલિસ્થેસિસની બે વખત અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જેના કારણે મણકા ત્રીજા તબક્કા સુધી ખસી ગયા હતા. સર્જરીમાં ફિટ કરવામાં આવેલા સ્ક્રૂ પણ તૂટી ગયા હતા. સ્પોન્ડિલોલિસ્થેસિસના લીધે કમરમાં અસહ્ય દુઃખાવો તથા ચાલવા પર અસર થાય છે. સ્ક્રૂ તૂટી જવાથી અને મણકા ત્રીજા તબક્કા સુધી ખસી જવાના કારણે આ સર્જરી જટિલ અને સંવેદનશીલ બની રહી હતી.
આ પણ વાંચો - રામ રાખે તેણે કોણ ચાખેઃ 11 મહિનાનો દેવાંશ રમતરમતમાં રેલિંગ પરથી નીચે જમીન પર પટકાઇ
ચાર સ્ક્રૂ કાઢ્યા બાદ શસ્ત્રક્રિયા હાથ ધરાઈ
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ. જે. વી. મોદી આ સર્જરીની ગંભીરતા સમજાવતાં કહે છે કે, પુષ્પાદેવીને ઝડપભેર દુઃખાવામાંથી રાહત મળે તે માટે કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન્સ દરમિયાન મૂકાયેલા ચારેય સ્ક્રૂને કાઢવા સહિતની શસ્ત્રક્રિયા જરૂરી બની હતી. તબીબી શૈલીમાં આ સર્જરીને “રિવિઝન સ્પાઇન સર્જરી” કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશન ખુબ જ જટિલ ગણાય છે, કારણ કે ઓપરેશન દરમિયાન તુટેલાં સ્ક્રૂ કાઢતી વખતે કરોડરજ્જુના ખુબ જ નાજુક ભાગને ઇજા થવાનું જોખમ રહેલું હોય છે અને આવી ઇજા ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્ક્રૂ કાઢવામાં કરોડરજ્જુની નસને ઇજા થવાનું પણ ખુબ જ જોખમ હોય છે.
![Ahmedabad Civil Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-spine-surgery-in-civil-hospital-photo-story-7202752_13032021171744_1303f_1615636064_685.jpeg)
આ પણ વાંચો - અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં 18 વર્ષના કિશોરની દુર્લભ બિમારી સ્કોલિયોસિસનું નિદાન થયું
ન્યૂરો મોનિટરિંગ સાથે જોખમી ઓપરેશન થયું
સંકલ્પ વડે સિદ્ધિનું સર્જન કરવાનું તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સારી રીતે જાણે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમને વિશ્વાસ હતો કે, તેમને પુષ્પાદેવીને આ સમસ્યામાંથી છૂટકારો અપાવશે જ. આ ટીમે સતત ન્યૂરો મોનિટરિંગ સાથે આ જટિલ તથા જોખમી ઓપરેશન નિપૂણતાપૂર્વક પાર પાડ્યું હતું.
આ પણ વાંચો - અમદાવાદઃ સગર્ભાની અત્યંત જોખમી પ્રસૂતિ થઈ, બાળકનો વિકાસ ગર્ભાશયમાં નહીં પરંતુ પેટના ભાગમાં થયો હતો
ઓપરેશન બાદ દુઃખાવામાં રાહત મળી છે
હાલમાં પુષ્પાદેવી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઓપરેશન બાદ તેમને દુઃખાવામાં પણ આરામ છે. હવે પુષ્પાદેવીના ચહેરા પર પીડાના બદલે રાહતના હાવભાવ તરવરે છે. અમદાવાદ સિવિલમાં વર્ષો જૂના દુઃખાવામાંથી મુક્તિ મેળવવા સહિત ઉત્તમ અને નિઃસ્વાર્થ સારવાર મેળવનારા પુષ્પાદેવી તથાં તેમનાં પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો - અમદાવાદ: દિવાળીથી લાંભપાંચમ સુધીમાં કોરોનાના 500થી વધુ દર્દી સિવિલમાં આવ્યા, 179ની હાલત ગંભીર