- શહેરની ફૂટપાથો સંકોચાતા માટીકામના કારીગરો બહાર ગયા
- ખુલ્લી જગ્યાઓમાં ઘર સજાવટની ચીજવસ્તુઓનું વેચાણ
- દીવડાની 25 કરતાં વધારે વેરાઇટી બજારમાં
અમદાવાદઃ આસો માસ આવતાની સાથે જ દિવાળીના પર્વો માટેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. મોટા ભાગના વેપાર ધંધા વેગવાન બની જાય છે. એમા પણ દીપોત્સવને લગતી સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ વધી જાય છે. અત્યારે કળાત્મક દીવડા અને માટીમાંથી તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓ શહેરની બહારની ખુલ્લી જગ્યાઓમાં માર્ગો પર જોવા મળી રહી છે.
સજાવટ માટેની ચીજવસ્તુઓની ખરીદી વધી
દિવાળીના તહેવાર નજીક આવતા જાય એની સાથે જ ઘર સજાવટ માટેની ચીજવસ્તુઓની ખરીદી વધતી જાય છે. દિવાળી પહેલા જૂની, તુટેલી વસ્તુઓનો નિકાલ કરવામાં આવે છે અથવા સાફસફાઈ અને રંગરોગાન કરવામાં આવે છે.
વધતી જતી મોંઘવારી અને પ્રદૂષણને અટકાવવા લોકો ફટાકડા ઓછા ફોડે છે. પણ ઘરની સજાવટ અને દીવડાની ઝગમગાટ અવશ્ય કરે છે. તહેવાર, ઉત્સવોની સાથે સામાન્ય સંજોગોમાં પણ ઘરમાં સુશોભન માટે કળાત્મક ચીજવસ્તુઓ વસાવવાનો ટ્રેન્ડ વધતો થઇ ગયો છે એટલે જ હસ્તકલાના મેળામાં લોકો ઉમટી પડે છે અને ખરીદી પણ કરે છે. દીપોત્સવ પહેલા ભરાતા મેળાઓમાં વિવિધ પ્રકારના દીવડા જોવા મળે છે. અમદાવાદ શહેરના માર્ગોની ફૂટપાથો પર પણ પરંપરાગત રીતે માટીકામની કળાત્મક વસ્તુઓનું વેચાણ કરતાં લોકો જોવા મળે છે.
ફટાકડાનું સ્થાન સજાવટે લીધું
શહેરનો વ્યાપ વધતાં, માર્ગો મોટા થતાં ફૂટપાથો નાની થઇ ગઇ. દબાણો દૂર કરાઇ રહ્યા છે. દરેક વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું છે. એના કારણે માટીકામની કળાત્મક વસ્તુઓનું વેચાણ કરતાં લોકો શહેરની બહાર ખુલ્લી જગ્યાઓ શોધી પેટિયું રળી રહ્યા છે. માટીકામમાં પણ આધુનિકતા આવી હોવાથી લોકો માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવી આવક મેળવી રહ્યાં છે.
અમદાવાદ જેવા અનેક નાના મોટા શહેરોની ફૂટપાથો સંકોચાઈ રહી છે અને નવા વિકસતા બહારના વિસ્તારોમાં પ્રદર્શનો અને વેચાણ થઇ રહ્યા છે. દિવાળી માટે પહેલા નાના સાદા દીવડાનું ચલણ હતું. હવે કલરફૂલ ડિઝાઈનર દીવડા મોટા પ્રમાણમાં બને છે અને વેચાય છે. ફાનસ, માટીની સાંકળ જેવી 25 કરતાં વધારે વેરાઇટી બજારમાં ઉપલબ્ધ છે. મશીનરી ટેકનોલોજી આધુનિક થતાં માટીકામની વસ્તુ પણ વિશાળ શ્રેણીમાં મળતી થઇ ગઇ છે. દીપોત્સવી પૂર્વે શહેરની બહારની ખુલ્લી જગ્યા ઓ તરફ નજર નાખતાં જ માટીકામના કારીગરોએ તૈયાર કરેલી ઘર સજાવટ માટેની ચીજવસ્તુઓ જોવા મળે છે.