- ચાંદલોડિયામાં નશામાં ધૂત કોન્સ્ટેબલ પર હુમલો
- હુમલો કરનાર 5 યુવકોની ધરપકડ કરાઇ
- પોલીસ જવાન પણ હતા દારૂમાં ધૂત
- દારૂડિયા પોલીસ જવાન વિરુદ્ધ પણ ગુનો નોંધી ધરપકડ
અમદાવાદ : ચાંદલોડિયા બ્રિજ પાસે મંગળવારે મોડી રાત્રે બ્રહ્માણી પાન પાર્લર પર નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલને 8થી 10 યુવકોના ટોળાંએ લાકડીઓ વડે મારમારી ગંભીર ઇજાઓ કરી હતી. બનાવને પગલે સોલા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં પોલીસે કોન્સ્ટેબલ પર હુમલો કરનાર યુવકો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ પણ નશામાં ધૂત હોવાનું ધ્યાને આવતા તેની વિરુદ્ધ અલગથી પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ સંભારણા દિવસે જ પોલીસે ખાખી વર્દીનેે માર માર્યો
દેશભરમાં પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વિશેષ કરી કોરોનાકાળમાં પોલીસ કર્મીઓએ જીવના જોખમે જે જનતાની સેવા કરી છે, અને મોટી સંખ્યામાં પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ પોલીસ કર્મચારીઓએ શહીદી પણ વહોરી છે. ત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ કર્મચારીએ આજના દિવસે ખાખી ઉપર દાગ લગાવ્યો છે.
દારૂડિયા પોલીસ કર્મચારીએ મચાવ્યો હંગામો
દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતાં અને સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સુનિલસિંહ ચૌહાણની નોકરી કન્ટેઇનમેન્ટ ઝોનમાં હતી. મંગળવારે રાત્રીના તેઓ ચા પીવા માટે ચાંદલોડિયા બ્રિજ પાસે ગયા હતા. તે સમયે બે યુવકો જાહેર રોડ પર વાહન ઉભું રાખી એકબીજાની એકદમ નજીક ઉભા રહી અંદરોઅંદર વાતચીત કરતા હતા. સુનિલસિંહે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી બન્ને યુવકોને સ્થળ પરથી જતા રહેવા જણાવ્યું હતું. આ યુવકો પોલીસ જવાન સુનિલસિંહ જોડે બોલાચાલી કરવા લાગ્યા હતા. તે દરમિયાન ચાંદલોડિયા બ્રિજ તરફથી 8 થી 10 લોકોનું ટોળુ હાથમાં લાકડીઓ લઈ આવ્યું હતું. તે તમામ લોકોએ સુનિલસિંહને લાકડીઓથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક લોકોએ વચ્ચે પડી સુનિલસિંહને બચાવ્યા હતા. ઘટનાને પગલે સોલા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્ત સુનિલસિંહને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. સોલા પોલીસે સુનિલસિંહની ફરિયાદના આધારે હુમલાખોર યુવકોના ટોળાં વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ કોન્સ્ટેબલ સુનિલસિંહએ પણ દારૂ પીધો હોવાનું ધ્યાને આવતા તેની વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જનતા બની જનાર્દન! મેથીપાક આપી સબક શીખવ્યો
જોકે, અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચંદલોડીયા બ્રિજ પાસે મોડી રાત્રે સુનિલસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં ડૂબીને ખાખીની ગરિમાને પણ ડુબાડી છે. સુનિલસિંહે દારૂના નશામાં જનતાને પરેશાન કરતા ત્રસ્ત જનતાએ પણ કાયદો હાથમાં લીધો ને લાકડીઓથી પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહને મેથીપાક ચખાડ્યો અને દોડાવી દોડાવીને માર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે સોલા પોલીસ સ્ટેશન દ્વારા પો.કો.સુનિલસિંહ પર પ્રોહી એકટ 66 (1)(બી), 85 (1) મુજબ દારૂ પીધેલાનો ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ખાડિયા પોલીસ સ્ટેશનમાં સુનિલસિંહ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે.
આરોપીઓની પોલીસે કરી અટકાયત
સોલા પોલીસે હુમલાખોર પાંચ યુવકોને ઝડપી લીધા હતા. જેમાં મયુર રમેશભાઈ રાવળ, સાગર ચુનીલાલ પટેલ, દીપેન મહેન્દ્રભાઈ મારૂ, હાર્દિક હર્ષદ ઠક્કર અને કલ્પેશ ચંદુભાઈ રાવળનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી છે. પોલીસે તમામ યુવકોના કોરોના ટેસ્ટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી નજર હેઠળ રાખ્યા છે. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણની પણ અટકાયત કરવામાં આવી હતી.