બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે રાધનપુર બેઠકથી ધારાસભ્ય પદ ચાલું રાખતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય તરીકે ગેરલાયક ગણવા માટે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. જો કે દોઢ મહિના જેટલો સમય વીતી જતા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવાની ફરજ પડી હતી.
કોંગ્રેસે દોઢ મહિના પહેલા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્ય રદ કરવા અરજી કરી હતી. જે મુદ્દે સ્પીકરે અલ્પેશ ઠાકોરને નોટિસ પણ પાઠવી હતી. એ વાત અલગ છે કે આ મુદ્દે કોઈ પ્રક્રિયા થઈ નહોતી. વિધાનસભામાં વિરોધપક્ષના દંડક અશ્વિન કોટવાલે આક્ષેપ કર્યો હતો કે, બંધારણીય રીતે કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી હાઇકોર્ટમાં રિટ કરી છે.
અલ્પેશ ઠાકોર આગામી 29 અને 30મી જૂને ઠાકોર સેનાની ઔપચારિક બેઠકનું આયોજન કરશે. ચોમાસા સત્ર પછી ભાજપનો કેસરી ખેસ પહેરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહુચરજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે .