અમદાવાદઃ kyphoscoliosis(કાયફોસ્કોલીઓસીસી)એ કરોડરજ્જુની એવી બીમારી છે કે,જેમાં કરોડરજ્જુ 'S' કે 'C' આકારની બની જાય છે. જેના કારણે દર્દીને જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેમ કે, સતત દુખાવો રહેવો, ઊઠવા બેસવા કે, ચાલવામાં તકલીફ પડવી, રોજબરોજના કામો કરવામાં તકલીફ પડે અને સાથે સાથે શરીર પણ નિર્બળ બની જાય છે.
સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ચાર દિવસના કેમ્પમાં ત્રણ તરુણ દર્દીના જટિલ ઓપરેશન હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ જે.વી. મોદી તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતુ. આ ત્રણેય દર્દીઓનું ઓપરેશન દસથી વધુ ડૉક્ટરોએ સાથે મળીને કર્યું હતું. ખૂબ જ ઝીણવટપૂર્વક અને કાળજીપૂર્વક આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ સામાન્ય રીતે આવા દર્દીઓનાં ત્રાકકણો અને શ્વેતકણો તૂટી જતા નસો જામી જાય તેવી ગંભીર પરિસ્થિતિ પણ થતી હોય છે, પરંતુ આ ઓપરેશનમાં સફળતા મળી હતી, અત્યારે બહાર ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન સામાન્ય રીતે ડૉકટર કરતા નથી. તેમ જ આશરે પાંચથી-સાત લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે,પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ માટેના સાધનો પણ વિદેશથી મંગાવવામાં આવ્યા હતા અને વિનામુલ્યે દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી. તેથી દર્દીઓના સગા સંબંધીઓ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.