ગાંધીનગર: રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો સદીએ પહોંચવા આવ્યો છે, પરંતુ રાજ્ય માટે સારા સમાચારએ છે કે, છેલ્લા 12 કલાકમાં એક પણ દર્દી પોઝિટિવ સામે આવ્યો નથી. જોકે, અમદાવાદ સિવિલમાં 67 વર્ષીય એક આધેડનું મોત નિપજ્યું છે. જેની સાથે રાજ્યમાં કુલ નવ લોકોના મોત થયા છે.
બીજી તરફ હાલમાં એક વ્યક્તિ વેન્ટિલેટર પર છે. કોરોના વાઈરસથી પીડિત દર્દીઓનો આંકડો ભલે 95 પર પહોંચ્યો હોય, પરંતુ શુક્રવારે એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 135 વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતાં, જેમાં 72 નેગેટિવ, જ્યારે 63 સેમ્પલ પેન્ડિંગ છે. આજે એક પણ વ્યક્તિ છેલ્લા 12 કલાકમાં પોઝિટિવ સામે આવ્યો નથી.
અમદાવાદ, સુરત, ભાવનગર અને ગાંધીનગર હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ શહેરોમાં કામગીરી કરવામાં આવી રહી છે. હાલ 75 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે એક વ્યક્તિ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.