અમદાવાદ ડેસ્ક: છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજયની તમામ નદીઓમાં પાણીના નવા નીર આવ્યા છે. નવા નીર આવવાના કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે. ત્યારે ફરી એક વખત ચોથા રાઉન્ડની શરૂઆત થવાની છે. આ પહેલા જ નદીઓની જળ સ્તર સપાટીમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
મોસમનો કુલ સરેરાશ વરસાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79. 83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
2.26 ટકા જેટલો જળસંગ્રહ: રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,51,184 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.
27 જળાશયોમાં એલર્ટ: અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 27 જળાશયો મળી કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 27 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 9 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. હજુ પણ જો વરસાદ આવશે તો આ સપાટી પણ વટાવી દેશે.