અમદાવાદઃ શહેરમાં મોટાભાગના કોરોના પોઝીટીવ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાઈ રહ્યા છે, ત્યારે કરફ્યૂગ્રસ્ત વિસ્તારની ત્રણ રહેણાંક વસાહતોમાંથી પાછલા બે દિવસ દરમિયાન કોરોનાના 79 કેસ પોઝિટિવ આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હોટસ્પોટ વિસ્તારમાં પણ કેટલીક વસાહતો છે જેમાં એક સાથે મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 18 એપ્રિલે બહેરામપુરાના દુધવાડી પાસે આવેલી ચતુર રાઠોડની ચાલીમાંથી 35 લોકોનું કોરોના પોઝિટિવ આવ્યા હતા, જયારે 19 માર્ચે જમાલપુર મહાજનના વંડામાંથી 21 અને ગાંધી રોડ ખાતે આવેલી વલંદાની હવેલીમાંથી 23 લોકોનું કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બહેરામપુરા, જમાલપુર, ગાંધીરોડ, દાણીલીમડા સહિતના વિસ્તારમાંથી સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ તમામ વિસ્તારોમાં વસ્તી ગીચતા હોવાથી અહીં રોગના સંક્રમણની શકયતા વધુ છે.
અમદાવાદમાં ગત્ત ત્રણ દિવસ 18મી માર્ચથી 20મી માર્ચ સુધીમાં 13 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન થયેલી મોતના લગભગ લગભગ 50 ટકા જેટલું છે. સંક્રમણને અટકવવા માટે તંત્ર દ્વારા કરફ્યુ સહિતના સઘન પગલાં લેવાઈ રહ્યા છે, તેમ છતાં આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.
20 માર્ચે પણ અમદાવાદમાં કોરોનાના 91પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગાંધીરોડ ખાતે રહેતા 23 લોકોને કોરોના પોઝિટિવ આવતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે મોડી રાત સુધી કોઈ સુધ ન લેતા દર્દીઓએ સોશિયલ મીડિયા થકી વીડિયો વાઈરલ કર્યો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. અમદાવાદમાં સહિત રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1800ને પાર પહોંચી ચુકી છે.