જૈનાચાર્ય રાજયશસૂરીશ્વર મહારાજની આજ્ઞા અનુસાર અહિંસા અમૃત વર્ષ દરમિયાન દેશ વિદેશમાં અહિંસા માટે બને તેટલો વધારે પ્રચાર થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. જૈનાચાર્ય રાજયશસૂરીશ્વર મ.સા.ના જણાવ્યા અનુસાર, ‘અહિંસા અમૃત વર્ષ’ માં શાકાહાર તરફ વધારે લોકો વળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ગર્ભહત્યા અટકે તે માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. જેથી, પશુબલિની પ્રથા અટકે તે માટે પ્રયાસો હાથ ધરાશે.
મહારાજનાં ‘અહિંસા અમૃત વર્ષ’ ની ઉજવણીના આયોજન માટે તા 21 જુલાઈ, 2019નાં રોજ યોજાનારા સંમેલનમાં મુખ્ય મહેમાનપદે ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં હૈદરાબાદના પ્રખર અહિંસા પ્રચારક જસરાજજી શ્રીશ્રીમાલ અને દેશનાં અન્ય ભાગોમાંથી ભક્ત સમુદાય અને શુભેચ્છકો ભાગ લીધો હતો. આ સંમેલનમાં બ્રહ્માકુમારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
તા. 21ના આ સંમેલનમાં તા. 26 સપ્ટેમ્બર, ભાદરવાવદ 12, રેંટીયા બારસથી મહાત્મા ગાંધી જન્મદિન તા. 2 ઓક્ટોબર, ગાંધી જ્યંતી સુધી અહિંસા સપ્તાહનું મહાન આયોજન કરવાનો નિર્ધાર થયો હતો. તા. 2 ઓક્ટોબરને યુનો તરફથી વિશ્વઅહિંસા દિન ઘોષિત કરવામાં આવ્યો છે. તેથી સમસ્ત વિશ્વમાં અહિંસાના પાલન અંગે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. યોગાનુ યોગ અહિંસાના પ્રખર સમર્થક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મનાં 150 વર્ષની ઉજવણી પણ ચાલી રહી છે.
જૈનાચાર્ય રાજયશસૂરીશ્વર મહારાજ વિભિન્ન સાત ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે અને વિવિધ ધર્મોના મુખ્ય ધર્મગ્રંથોનાં વિશદ અભ્યાસી છે. મહારાજે 14થી વધુ રાજ્યોમાં ધર્મોપદેશ માટે અંદાજે સવા લાખ કિ.મી.નો ઉગ્રવિહાર પદયાત્રા દ્વારા કર્યો છે. મહારાજ 125થી વધુ જૈન દેરાસરનાં પ્રતિષ્ઠાચાર્ય, 25થી વધુ પ્રાચીન તથા નવ્યતીર્થોના જિર્ણોદ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય છે. તેઓ 150થી વધુ ગ્રંથોના લેખક-સંપાદક છે. મહારાજે ભક્તામર સ્તોત્ર પર સવિશેષ સંશોધન દ્વારા તૈયાર કરેલા સર્વગ્રાહી માહિતીભૂત ત્રિભાષીય સચિત્ર ભક્તામર દર્શન ગ્રંથને વિદ્વત જગતમાં બહોળો અવકાર સાંપડ્યો છે. તેઓ વિશ્વમાં સૌપ્રથમ ભક્તામર મંદિર (ભરૂચ)ના માર્ગદર્શક પણ છે.