અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 331 અને સાણંદમાં 294 જેટલો નોંધાયો છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે.
દસક્રોઈમાં 234, બાવળામાં 139 કેસ નોંધાયા છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 75, વિરમગામમાં 124, બાવળામાં 139 અને માંડલ તાલુકામાં 54 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 58 દર્દીઓના મોત નીપજ્યા છે.
અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.51 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.