અમદાવાદઃ લાંચિયા બાબુઓ સામે ACB કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં બુધવારે ACBના હાથે 3 પોલીસ કર્મી ઝડપાઈ ગયા હતા. શાકભાજીનો છૂટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ જમાલપુર વિસ્તારમાં અવાર નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી ACBને મળી હતી. જેના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું.
આ છટકામાં પોલીસકર્મી દ્વારા ગાડીમાં ટામેટા ભરીને જગન્નાથ મંદિરના ગેટ નંબર-4ની આગળ, દુકાન નંબર-48ની પાછળના ભાગે, શાક માર્કેટમાં વહેલી સવારે ઉભા રહીને ટામેટા વેચવા આવેલી ટામેટા ભરેલી ગાડીને ઉભી રાખવા દેવા અને ટામેટાનું વેચાણ કરવા દેવા માટે રૂપિયા 100ની માંગણી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ વહેલી સવારે વેપારીઓ પાસેથી લાંચ લેતા હતા. આરોપી પોલીસકર્મીઓ શાકભાજીના વેપારી પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેમની પાસેથી ગેરકાયદે રીતે રૂપિયા 100ની લાંચની માંગણી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 3 આરોપીઓમાં PCR વાનના ઓપરેટર પ્રભુદાસ ડામોર, હેડ કોન્સ્ટેબલ PCR વાનના ઈન્ચાર્જ ક્રિષ્ના બારોટ,કોન્સ્ટેબલ દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટનો સમાવેશ થાય છે.
આ પહેલા પણ પોલીસ દ્વારા જમાલપુર વિસ્તારમાં અવાર નવાર લાંચ માંગવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અહિં શાકભાજી વેચવા આવતા ખેડૂતોનો આક્ષેપ છે કે, સ્થાનિક પોલીસ વારંવાર રૂપિયાની માંગણી કરે છે અને ન આપતા દંડ ફટકારવાની ધમકી આપે છે.