અમદાવાદઃ શહેરના હાટકેશ્વર-હરીપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શાકભાજી અને ફેરીયાના કોરોના ટેસ્ટ સ્ક્રિનિંગ કરાતાં તેમાં એક જ વિસ્તારના 21 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આ શાકભાજીના 21 ફેરિયાના પરિવારજનોને પણ બસની મારફતે તેમને ક્વોરન્ટાઇન માટે લઈ જવામાં આવ્યા છે.
પોલીસની ટીમે હાટકેશ્વરના હરીપુરા વોર્ડમાં જ્યાં કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યાં બેરીકેટ ઉભા કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સ્થાનિક નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળ પર જોવા માટે રવાના થઈ છે. નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરીપુરા વોર્ડ વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોનને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે. હવે આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં વધુ એગ્રેસીવ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે, જેથી કોરોના સંક્રમિત વ્યક્તિની શોધ થઈ શકે અને રોગના ફેલાવવાનો અટકાવી શકાય.
અમદાવાદમાં એક જ વિસ્તારમાં વધુ કોરોના પોઝિટિવ કેસને કારણે જમાલપુર, મણિનગર, બહેરામપુરા સહિતના વોર્ડને રેઝ ઝોન જાહેર કરાયા છે, જો આગામી સમયમાં પણ અહીં વધુ કેસ પોઝિટિવ સામે આવશે તો તેને પણ રેડ-ઝોન જાહેર કરી શકાય છે. બાપુનગરમાં પણ મોટી સંખ્યામાં કેસ આવતાં તેને પણ એક-બે દિવસમાં રેડ ઝોન જાહેર કરી શકાય છે. અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી 200થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. હાલ 4 મેના સત્તાવાર આંકાડ મુજબ અમદાવાદમાં કુલ 4,076 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.