અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે 1500 કરોડના જીએસટીના કૌભાંડના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે આરોપીએ અલગ અલગ બોગસ પેઢીઓ શરૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર ખાતેથી ઝડપીને રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.
બોગસ બિલિંગ કૌભાંડ : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર 12 નવેમ્બર 2022 ના જીએસટી વિભાગ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઓપરેશન દરમિયાન ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢીઓ ઊભી કરી જીએસટીના બોગસ બિલિંગ કરી કૌભાંડ આચર્યું હતું. આમ સરકારને આર્થિક નુકસાન પહોંચાડતા હોવાનું ધ્યાને આવતા 19 ડિસેમ્બર 2022 ના રોજ કુલ છ બોગસ પેઢીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
200 બોગસ પેઢી : જેમાં ગજાનંદ એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીની તપાસ દરમિયાન બીજી અલગ અલગ 200 જેટલી બોગસ પેઢીઓ મળી આવી હતી. જે પેઢીઓની તપાસ કરતા તેમાં કુલ રૂપિયા 1500 કરોડ કરતાં વધારે રકમના બોગસ બિલિંગ થયેલા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. આ 200 બોગસ પેઢીઓની તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે, 86 કરતા પણ વધારે બોગસ પેઢીઓમાં રૂપિયા 850 કરોડથી વધુ રકમના બોગસ બિલિંગ બન્યા હતા. આ કૌભાંડ ભાવનગર ખાતે રહેતા અલ્તાફ સાકરવાલા તેમજ તેના સાગરીતોએ મળીને કર્યા છે.
850 કરોડથી વધુનું કૌભાંડ : આ મામલે તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલતાફ ઉર્ફે હિલ્ટન સાકરવાલા નામના 32 વર્ષીય આરોપીને ભાવનગર ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે પકડાયેલા આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને વર્ષ 2019 થી 86 કરતા વધારે આવા ગુના કર્યા છે. જેમાં અન્યના નામે બોગસ જીએસટી પેટીઓના આધારે 850 કરોડથી વધુ રકમના બોગસ બીલો બનાવ્યા હતા. આ બાબતે તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.