અમદાવાદ: આજથી રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજે મહીને રાજ્યના 68 લાખ લોકોને અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણ થવા જઇ રહ્યું છે, ત્યારે એ.પી. એલ. કાર્ડ ધરાવતાં કોઠ ગામના પશુપાલનનો વ્યવસાય કરતાં ખોડાભાઇ ભરવાડે, ગામમાં વાણંદનો વ્યવસાય કરતાં રસીકભાઇ વાણંદ જેવા 150 લોકોએ પોતાને મળતો અનાજનો જથ્થો પોતાના ગામના અતિ ગરીબ લોકો માટે જતો કર્યો છે.
તેઓએ જણાવ્યું કે, અત્યારે આપણે કપરા કાળમાંથી પસાર થઇ રહ્યા છીએ. કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સાધન સંપન્ન લોકો માટે કોઇ મોટી તકલીફ ઉભી થઇ નથી. પરંતુ ગામના જે લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે તેવા લોકો માટે આ મુશ્કેલીના સમયમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. અત્યારે ખેતીકામની મજૂરી પણ ચાલતી નથી. તેથી તેમની આવક પણ બંધ છે. તેવા સમયે જવાબદારી બને છે કે, જે લોકો પાસે છે તેઓ તેમના ભાગનું જતું કરીને બીજાને ઉપયોગી બને.
કોઠ ગામના લોકોને સમજાવીને તેમને આ કામ કરવા માટે પ્રેરિત કરવાનો શ્રેય ગામના યુવાન સુરેશભાઇ ઝંઝાને જાય છે. તેમણે ગામના એ.પી.એલ. કાર્ડ ધરાવતાં લોકોને સમજાવ્યું કે, અત્યારના મુશ્કેલીના સમયમાં નાના લોકોની મદદ કરવી તે આપણી જવાબદારી છે. સુરેશભાઇએ વધુમાં કહ્યું કે, શરૂઆતમાં તો એ.પી.એલ. કાર્ડધારકો આ માટે સંમત થયા નહોતા, પરંતુ થોડી સમજાવટ બાદ તેઓ તૈયાર થયા હતાં કે તેઓના ભાગનું અનાજથી બીજાના ઘરનો રોટલો બનવાનો હતો. આ જાણી તેમણે પણ અમને સહકાર આપ્યો હતો અને આમ કરતાં-કરતાં ગામના 150 અગ્રતા ધરાવતા કાર્ડધારકોએ પોતાના ભાગનું અનાજ જતું કર્યું હતું.
આજે સમગ્ર વિશ્વ અને ગુજરાત કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે. આ સંક્રમણકાળમાં જે લોકો પૂરતા સાધન સંપન્ન છે તે લોકો તો ગમે તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવી લે છે. પરંતુ સમાજના જે લોકો પાસે રોજનું લાવીને રોજ ખાય છે, તેવા લોકો માટે બે ટાઇમ પેટનો ખાડો પૂરવો પણ મુશ્કેલ છે. તેવા સમયે સરકાર રાશન કાર્ડ પર અનાજનો જથ્થો ઉપલબ્ધ બનાવી તેમની મદદે આવી હતી.