અમદાવાદઃ અત્યારે દેશના કલુ 146 સાંસદો સસ્પેન્ડેડ છે. ભારત જ નહિ પણ વિશ્વની લોકશાહીમાં આ પ્રથમ ઘટના છે. આ સાંસદોના સસ્પેન્શનનો ઈન્ડિયા અલાયન્સ જંતર મંતર પર વિરોધ કરી રહ્યું છે. ઈન્ડિયા અલાયન્સ દ્વારા જુદા જુદા રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ કૉંગ્રેસે પણ આટલી મોટી સંખ્યામાં સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ છે. જેમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
વૈશ્વિક લોકશાહીની પ્રથમ ઘટનાઃ દેશમાં સસ્પેન્ડેડ સાંસદોની ઘટનાએ ચકચાર મચાવી છે. એક સાથે 146 સાંસદો લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્ડેટ સાંસદોમાં ભારતીય રાજકારણના દિગ્ગજોનો સમાવેશ થાય છે. જેમાં કૉંગ્રેસના મનીષ તિવારી, ચિદમ્બરમ, શશી થરુર, બસપાના દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, સપાના એસ.ટી.હસન, ડીમ્પલ યાદવ, ટીએમસી સાંસદ માલા રોય અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલકુમાર રિન્કુ અને સંદિપ પાઠક વગેરેનો સમાવેશ થાય છે. આ સસ્પેન્ડેડ સાંસદોએ સંસદ ભવનની સુરક્ષા મામલે સવાલો ઉઠાવ્યા હતા. તેમના પર સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાડીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ સાંસદો આ ઘટનાને માત્ર ભારત જ નહિ પણ વૈશ્વિક લોકશાહીમાં પ્રથમવાર બનેલ ઘટના ગણાવી રહ્યા છે. ઈન્ડિયા અલાયન્સના નેતાઓ આ મુદ્દે જંતર મંતર પર લોકશાહી બચાવોના સૂત્રોચ્ચાર અને બેનર પ્રદર્શન વડે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
દેશની સર્વોપરી ગણાતા ભવન એવા સંસદની સુરક્ષામાં ચૂક થાય તે મુદ્દે ચર્ચા કરવા અને જવાબ માંગવાનો સાંસદોને હક છે. સાંસદોના અવાજને દબાવી દેવો તે યોગ્ય નથી. સાંસદોને સસ્પેન્ડ કરવાને બદલે બોર્ડર પર જવાનો શહીદ થયા તેની ચર્ચા કરવી જરુરી છે. પ્રજાતંત્રમાં તમામને જવાબો માંગવાનો અધિકાર હોવો જોઈએ. તેના બદલે સાંસદોને સસ્પેન્ડ કરીને સરકાર લોકશાહીની વ્યાખ્યા બદલી રહી છે...હિંમત સિંહ(નેતા, કૉંગ્રેસ)