અમદાવાદ: શહેર એસોજી ક્રાઇમે રથયાત્રા પહેલા બાંગ્લાદેશી શખ્સોને પકડવાની કામગીરી હાથ ધરી છે. થોડાક દિવસો પહેલા જ અલગ અલગ જગ્યાઓ પરથી 18 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ફરી એકવાર અમદાવાદમાં ચંડોળા તળાવના છાપરા તેમજ ઘાટલોડીયા અને ઓઢવ વિસ્તારમાંથી કુલ 13 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
બોગસ ડોક્યુમેન્ટ બનાવી રહેતા અમદાવાદમાં: જે આરોપીઓમાં ઘાટલોડીયાથી પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય નાગરિક તરીકેની ઓળખ આપતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઓઢવમાંથી પકડાયેલો એક આરોપી વિઝા લઈને ભારતમાં આવ્યો હોવા છતાં વિઝા પૂર્ણ થઈ ગયા બાદ પણ પરત ન ફરીને વસવાટ કરતો હતો. આ મામલે એસ.ઓ.જીએ વધુ તપાસ શરૂ કરી છે.
ડોક્યુમેન્ટ બનાવનાર અંગે તપાસ શરૂ: અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાંથી મોહંમદ મંજુર શેખ, મોહંમદ અબુ શેખ, ઈમરાન શેખ, મોહંમદ સલમાન અંકુનજી નામના બાંગ્લાદેશી શખ્સોની ધરપકડ કરી છે, જે તમામ શખ્સો ભારતમાં આવીને ગેરકાયદે રીતે વસવાટ કરી આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડ જેવા ભારતીય ઓળખ માટેના દસ્તાવેજો ખોટી રીતે બનાવી પોતે ભારતીય ન હોવા છતાં ભારતીય તરીકેની ઓળખ ઉભી કરી હતી. આરોપીઓએ અમદાવાદમાં આ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની હકીકત તપાસમાં ખુલી છે. જેથી બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
'રથયાત્રા અન્વયે SOG તપાસમાં હતી ત્યારે આ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોના રિમાન્ડ મેળવી તમામની પૂછપરછ હાથ ધરવામાં આવશે. વધુમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપનારની પણ શોધખોળ શરૂ કરાઈ છે.' -એન.એલ દેસાઈ, ACP, SOG ક્રાઈમ
વિઝા પૂર્ણ થયા બાદ પણ વસવાટ: અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે, ઓઢવ વિસ્તારમાં અબુ રૈહાન નામના 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જે યુવક બાંગ્લાદેશી પાસપોર્ટ સાથે વર્ષ 2022 માં આવ્યો હતો અને 3 મહિનાના ટુરિસ્ટ વિઝા પૂર્ણ થઈ ગયા પછી પણ તે પરત ગયો ન હતો. તે બેનાપુર બોર્ડરથી ઇમિગ્રેશન ક્લિયર કરી ભારતના હરિદાસપુર બોર્ડર થઈ ભારતમાં આવ્યો હતો, અને બાદમાં અમદાવાદમા ઓઢવમાં ટીશર્ટની કંપનીમાં કામ કરતો હતો. આ મામલે તેને પકડી વધુ તપાસ શરૂ કરી છે.