અમદાવાદ: પાલડીમાં રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. જેમાં 15 પંડિત અને 10 મૌલાનાએ લગ્નની વિધિ કરાવી હતી. આ સમૂહલગ્નના ભોજન સમારંભમાં દાળ, ભાત અને મિષ્ટાન્ન એમ ત્રણ વાનગી પીરસવામાં આવી હતી.
ગત વર્ષે પણ ઈસા ફાઉન્ડેશન એજ્યકેશન ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટનો સમૂહલગ્ન યોજાયો હતો. જ્યારે આ વખતે શનિવારે ટ્રસ્ટનો 8મો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 6 વર્ષથી આ પ્રકારના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ મૌલાના હબીબ અહમદે જણાવ્યું કે, ગત વર્ષે હિન્દુ અને મુસ્લિમ સમાજનાં 501 યુગલનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.