અમદાવાદઃ દિવાળી પર્વમાં આગથી દાઝી જવાના, ઘાયલ થવાના અને ફૂડ પોઈઝનિંગના કેસના કોલ્સ વધુ સંખ્યામાં 108ને મળતા હોય છે. 2023ની દિવાળીની રાત્રે 108 સેવાને આ પ્રકારના કોલ્સ વધુ સંખ્યામાં મળ્યા હતા. 108 દ્વારા મળતી માહિતી મુજબ દિવાળીમાં કુલ 4027 કેસ નોંધાયા છે. આ કેસોની સંખ્યા સામાન્ય દિવસોમાં 3961 જેટલી હોય છે. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીમાં 1.66%નો વધારો થયો છે. ટ્રોમા વ્હીક્યુલરના 687 કેસીસ(59.40 %નો વધારો) જયારે ટ્રોમા નોન-વ્હીક્યુલરના 599 કેસીસ(60.19 %નો વધારો) જોવા મળ્યો છે.
ફટાકડાથી દાઝવાના કેસઃ અમદાવાદ શહેરમાં ફટાકડાથી દાઝવાના સૌથી વધુ 14 મળ્યા હતા. જેમાં 108 તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. મેડિકલ સ્ટાફ દ્વારા ઘટતી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અમદાવાદ સિવાય પણ ગુજરાતના શહેરોમાં ફટાકડાથી દાઝવાના કોલ્સ 108ને મળ્યા હતા. જેમાં સુરતમાં 7, રાજકોટ 4, બરોડા, અમરેલી, આણંદ, ભાવનગર,જામનગર, પાટણમાં 2 જ્યારે ભરુચ, ગાંધીનગર, ગીર સોમનાથ, મોરબી, નવસારી, પંચમહાલ અને ડાંગમાં 1 કેસના કોલ્સમાં 108ના મેડિકલ સ્ટાફે ઘટતી કાર્યવાહી કરી હતી.
ફૂડ પોઈઝનિંગના કેસઃ 108ને દિવાળીના દિવસે ફૂડ પોઈઝનિંગના જે કોલ મળ્યા તેમાં પણ 10.35 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 82 જેટલા કેસ ફૂડ પોઈઝનિંગના નોંધાય છે જ્યારે આ દિવાળીમાં 91 કોલ્સ ફૂડ પોઈઝનિંગના મળ્યા હતા.
રાજ્યના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ 108ની સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. દર્દીને ઈમર્જન્સી દરમિયાન નજીકમાં નજીક સારી સારવાર પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને હોસ્પિટલના તંત્રની પણ મદદ લેવામાં આવી રહી છે.જેથી દર્દીઓને સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની હોસ્પિટલમાં સારવાર મળી રહે.108ની તમામ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્યના ખૂણે ખૂણે ગણતરીની સેકન્ડોમાં 108 પહોંચી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ છે...જશવંત પ્રજાપતિ(અધિકારી, 108 વિભાગ, અમદાવાદ)