બેલગ્રેડ: સર્બિયાના ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચ અને તેની પત્ની હેલેના જોકોવિચનો કોરોના પોઝિટિવ આવ્યાં છે. જોકોવિચે જાતે જ આ અંગે જાણ કરી હતી. વર્લ્ડ નંબર-1 જોકોવિચે વાઈરસની સ્થિતિ વચ્ચે એક્ઝિબિશન એડ્રિયા ટૂર ચેરિટી ટૂર્નામેન્ટનું આયોજન કરાવ્યું હતું.
આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ત્રણ ખેલાડી અગાઉથી જ સંક્રમિત થઈ ચૂક્યા છે. આ ખેલાડી બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવ, ક્રોએશિયાના બોર્ના કોરિચ અને સર્બિયાના વિક્ટર ત્રોઈકી છે. વિક્ટરની ગર્ભવતી પત્નીનો કોરોના ટેસ્ટ ફણ પોઝિટિવ આવ્યો હતો.
આ તમામ સ્થિતિ વચ્ચે બ્રિટનના ખેલાડી ડેન ઈવાંસે વર્લ્ડ નંબર-1 જોકોવિચને જ જવાબદાર ગણાવ્યો છે. ગયા સપ્તાહે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો. જેમા દિમિત્રોવ સાથે જોકોવિચ, એલેક્ઝાન્ડર જ્વેરેવ અને મેરિન સિલિચ બાલ્કેટબોલ રમતા દેખાયા હતાં.
મહત્વનું છે કે, જોકોવિચે ચાલુ વર્ષની શરૂઆતમાં 8મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. જેણે ફાઈનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને 6-4, 4-6,2-6,6-3,6-4થી હરાવ્યો હતો. જોકોવિચના નામે 17 ગ્રાન્ડ સ્લેમ છે. 8 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 વિમ્બલ્ડન, 1 ફ્રેંસ ઓપન અને 3 US ઓપનમાં જીત મેળવી છે.