નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઇટીએ) અંકિતા રૈના અને દિવીજ શરણનું નામ અર્જુન એવોર્ડ માટે રમત મંત્રાલયને મોકલમાં આવ્યું છે. એઆઈટીએના સેક્રેટરી હિરોન્મોય ચેટર્જીએ કહ્યું કે, આ બંને ખેલાડીઓ ચાલું વર્ષે અર્જુન એવોર્ડ માટે સૌથી યોગ્ય છે. અમે તેમના નામના નામાંકનની ભલામણ કરીશું. જ્યારે ડેવિસ કપના પૂર્વ કોચ નંદન બલને ધ્યાનચંદ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં છે.
27 વર્ષીય અંકિતાએ 2018 એશિયન ગેમ્સની મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફેડ કપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. અંકિતા માર્ચમાં સિંગલ્સની વર્લ્ડ રેન્કિંગમાં 160મા સ્થાને રહી છે. જેની કારકિર્દીની અત્યાર સુધીની શ્રેષ્ઠ રેન્કિંગ છે.
બીજી તરફ જકાર્તામાં પુરૂષોની ડબલ્સમાં દિલ્હીના દિવીજ શરણે દેશના ખેલાડી રોહન બોપન્ના સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 34 વર્ષીય દિવીજે 2019ની સીઝનમાં બે એટીપી ટાઇટલ પણ જીત્યા હતાં. આ સિવાય દિવીજે બોપન્નાની સાથે પુણેમાં મહારાષ્ટ્ર ઓપન પણ જીત્યું હતું.
મહત્વનું છે કે, ટેનિસ વિશે વાત કરીએ તો બોપન્નાને 2018માં અર્જુન એવોર્ડ મળ્યો હતો. તે પછી ટેનિસના કોઈ ખેલાડીને આ એવોર્ડ મળ્યો નથી. આ સિવાય હજી સુધી કોઈ પણ કોચને ટેનિસથી દ્રોણાચાર્ય એવોર્ડ પણ મળ્યો નથી.
60 વર્ષીય નંદન બલે 1980-83 વચ્ચે ડેવિસ કપ રમ્યો હતો. તે ઘણા વર્ષો સુધી ભારતના ડેવિસ કપના કોચ રહ્યાં છે. અત્યાર સુધીમાં ફક્ત ત્રણ ટેનિસ ખેલાડીઓએ ધ્યાનચંદ સન્માન મેળવ્યું છે, જેમાં ઝીશાન અલી (2014), એસપી મિશ્રા (2015) અને નીતિન કીર્તન (2019) સામેલ છે.