અમદાવાદના વસ્ત્રાપુરમાં સ્વિમિંગ એક્સેસરીઝના શોરૂમ સ્પીડોના ઉદ્ધાટન માટે આવેલા રેહાને જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા દસ વર્ષમાં સ્વિમર્સની સંખ્યા ડબલ થઈ ગઈ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિમર્સ અને તેની સાથે સંકળાયેલી બાબતોમાં સુધારો થયો છે. બાળકોએ ભણતરની સાથે અન્ય પ્રવૃતિઓ પણ કરવી જોઈએ. જો તેમાં વધુ સ્કોપ દેખાય તો એ અંગે કારકિર્દી ઘડવાની પણ તૈયારી કરી શકાય છે. સ્વિમિંગ કે અન્ય કોઈ રમતગમતમાં આગળ લાવવા માટે માતા-પિતા અને કોચ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
લોકોમાં સ્વિમિંગ અને તેનાથી થતા ફાયદા અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. દેશ માટે વધુ લોકો સ્વિમિંગમાં ઓલમ્પિક સુધી પહોંચે તેના માટે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ શરૂ કરવાની જરૂર છે. તેમજ સ્વિમિંગ માટે પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. ભણતર અને સ્વિમિંગ અથવા કોઈ રમતગમતને જીવનમાં બેલેન્સ કરી શકાય છે. જો કે, આગળ કયા ક્ષેત્રમાં જવું તે અંગે નિર્ણય લેવાનો રહે છે.
રેહાન પોંચાએ સ્વિમિંગ કરતા લોકો અને બાળકોને સ્વિમિંગમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે મહત્વની ટિપ્સ પણ આપી હતી. રેહાને જણાવ્યું કે, હું નાનો હતો ત્યારે મારુ શરીર કમજોર હતું, જેથી ડોકટરે મને સ્વિમિંગની સલાહ આપી હતી અને હું સ્વિમિંગ સાથે જોડાયો હતો.
રેહાને વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વસ્તુઓને અધૂરી મૂકી શકાય નહિ. દરેક બાબતમાં સતત પ્રયાસની જરૂર હોય છે. વર્ષ 2008માં સ્વિમિંગમાં નેશનલ ચેમ્પિયન બન્યા બાદ ઓલિમ્પિક રમવા માટેની પ્રેક્ટિસ દરમિયાન હું વિદેશી સ્વિમર્સને જોઈને મૂંઝવણ અનુભવતો હતો અને મેં સ્વિમિંગ છોડી દીધું હતું. જો કે, 1 મહિના બાદ ફરી મેં સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું હતું.