બેંગ્લુરુઃ ભારતીય મહિલા હોકી ટીમે કોવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઈમાં મદદ કરવા માટે 20 લાખ રૂપિયાની રકમ એકઠી કરી છે.
ભારતીય ટીમે 18 દિવસના ફિટનેસ ચેલેન્જના માધ્યમથી રૂપિયા એકઠા કર્યા છે. આ ચેલેન્જ 3 મે ના રોજ પૂર્ણ થઇ છે. આ પડકારના માધ્યમથી કુલ 20,01,130 રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
આ રૂપિયા દિલ્હી સ્થિત એક NGOને દાન કરવામાં આવ્યા છે. જેમાં રૂપિયાનો ઉપયોગ વિવિધ સ્થળો પર દર્દી, પ્રવાસી, મજૂરો અને ઝૂંપડામાં રહેનારા લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવામાં થશે.
ભારતીય કેપ્ટન રાની રામપાલે કહ્યું, અમને જોરદાર પ્રતિક્રિયા મળી છે. ખાસ કરીને ભારતીય હોકી પ્રેમિઓએ સમગ્ર દુનિયામાંથી આ ચેલેન્જમાં ભાગ લઇ અને યોગદાન આપ્યું છે.
તેઓએ વધુમાં કહ્યું કે, ભારતીય ટીમ તરફથી હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માગુ છું, જેઓએ ગરીબોની મદદ માટે આ પહેલમાં ભાગ લીધો હતો. આ ચેલેન્જમાં ટીમના સભ્યને ફિટનેસ સાથે જોડાયેલા વિવિધ કામો આપવામાં આવતા હતાં.
રાની રામપાલે વધુમાં જણાવતા કહ્યું, દરેક દિવસે ખેલાડી નવો પડકાર આપતી હતી અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પડકારનો સ્વીકાર કરવા માટે વધુ 100 રૂપિયા દાન કરવા માટે 10 લોકોને ટેગ કરતી હતી.