- ઈન્ડીયન ઓલિમ્પિક્સ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર બત્રાનું નિવેદન
- ભારતીય હોકી ટીમો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે તેવી શક્યતા નથી
- એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે માત્ર 35 દિવસનું અંતર હોવાથી તૈયારીઓમાં અગવડ
નવી દિલ્હી: ઈન્ડીયન ઓલિમ્પિક્સ એસોસિએશન (IOA) ના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ જણાવ્યું હતું કે, ભારતીય હોકી ટીમો આગામી વર્ષે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે તેવી શક્યતા નથી. આમ કહેવા પાછળનું તેમનું કારણ એ છે કે, ભારતીય હોકી ટીમો એશિયન ગેમ્સ દરમિયાન તેઓ શ્રેષ્ઠ ફોર્મ હાંસલ કરી શકે. એશિયન ગેમ્સ 2024 પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાયર હોવાથી તેમાં પણ ટીમોને ફાયદો થઈ શકે તેમ છે. બત્રાએ શુક્રવારે દિલ્હી ખાતે યોજાયેલી ઔપચારિક બેઠક દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના ડાયરેક્ટર જનરલ સંદિપ પ્રધાનને આ વાત જણાવી હતી.
એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે માત્ર 35 દિવસનું અંતર
આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) ના ચીફ અને હોકી ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ નરેન્દ્ર બત્રાએ કહ્યું હતું કે, ભારતીય હોકી ટીમોની પ્રાથમિકતા એશિયન ગેમ્સમાં પોતાનું શિખર હાંસલ કરવાની છે, જે કોમનવેલ્થ ગેમ્સના માત્ર 35 દિવસ પછી શરૂ થાય છે. બર્મિંગહામ CWG 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે, જ્યારે એશિયન ગેમ્સનું આયોજન 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ચીનના હાંગઝોઉમાં થશે. હોકી ઇન્ડિયામાં હજુ પણ નોંધપાત્ર પ્રભાવ ધરાવતા બત્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હોકી ઇન્ડિયા સાથેની મારી પ્રાથમિક ચર્ચાઓના આધારે, ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભાગ લેશે કે કેમ તે અંગે શંકાસ્પદ લાગે છે."