બેગ્લુરૂઃ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી રાની રામપાલે બુધવારે કહ્યું કે, રાજીવ ગાંધી ખેલ રત્ન માટે નામાંકિત થઇને તે સન્માનની અનુભૂતિ કરી રહી છે. આ વર્ષે હોકી ઇન્ડિયાએ ખેલ રત્ન માટે રાનીનું નામ ખેલ મંત્રાલયને મોકલ્યું છે.
પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રાનીએ હોકી ઇન્ડિયા દ્વારા જારી કરેલા એક પ્રકાશનમાં કહ્યું કે, રાજીવ ગાંધી ખેલ રત્ન માટે નામાંકિત થઈને તે સન્માનની અનુભૂતિ કરી રહી છે, તેમજ કહ્યું કે, એ વાત થી હું ખુબ જ ખુશ છું કે હોકી ઇન્ડિયાએ આ સન્માન માટે મારૂ નામ મોકલ્યું છે, તેના સતત સમર્થનથી મને અને ટીમને હંમેશા સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી છે.
હોકી ઇન્ડિયાએ ખેલ રત્ન માટે રાનીનું નામ, જ્યારે અર્જુન એવોર્ડ માટે વંદના કટારિયા, મોનિકા અને હરમનપ્રિત સિંહના નામની ભલામણ કરી છે.
રાનીએ કહ્યું કે, "હું અર્જુન એવોર્ડની હકદાર વંદના અને મોનિકાને અભિનંદન આપું છું. મહિલા ટીમમાંથી બે ખેલાડીઓનું નામકરણ એ સાબિતી છે કે ટીમ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. આથી અમને વધુ સારી રીતે રમવા માટે પ્રેરણા મળશે.
વર્લ્ડ સ્પોર્ટ્સ એથલીટ એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય રાનીને 2016 માં અર્જુન અને 2020માં પદ્મ શ્રીથી સન્માનીત કરાઇ હતી. રાનીએ કહ્યું કે તેના માટેનો ટર્નિગ પોઇન્ટ ટીમને ઓલિમ્પિક્સ રમવાનો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, "મને લાગે છે કે રિયો ઓલિમ્પિક્સ એ ટર્નિંગ પોઇન્ટ હતો, અમે સારું પ્રદર્શન કર્યું ન હતું અને અમને ખબર હતી કે વિશ્વ કે એશિયન સ્તર પર સારુ રમવા માટે ઘણી મહેનત કરવી પડશે.’
તેમણે કહ્યું, "અમે બધાએ એક લક્ષ્ય નક્કી કર્યું હતું કે અમે છુપાયેલા રુસ્તમ નહીં પણ વિજેતા ટીમ બનવા માંગીએ છીએ."
રાનીએ ટીમમાં આત્મવિશ્વાસ વધારવા માટે કોચ શોર્ડ મારિનને શ્રેય આપતાં કહ્યું, "અમારી પાસે સપોર્ટ સ્ટાફ બોવ સારો છે. કોચ શોર્ડ મારિન અમને હમેશા દિલની વાત કહેવાની અને હિંમતવાન રહેવાની પ્રેરણા આપે છે.