મહારાષ્ટ્ર : પુણે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ચાલી રહેલા ભારત સામેના મુકાબલામાં બાંગ્લાદેશ તેના રેગ્યુલર કેપ્ટન શાકિબ અલ હસનને મિસ કરી રહ્યું છે. કારણ કે ઓલરાઉન્ડર શાકિબ અલ હસન તેને થયેલી ઈજામાંથી સમયસર સાજો થઈ શક્યો નથી. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની મેચ દરમિયાન શાકિબને ફિટનેસની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્કેન કર્યા પછી જાણવા મળ્યું કે ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને નાના ક્વોડ ટીયરનો સામનો કરવો પડી રહ્યો છે. બાંગ્લાદેશના કોચે પણ મેચ પહેલા કહ્યું હતું કે, શાકિબ જો રમત માટે સંપૂર્ણ રીતે ફિટ થશે ફક્ત ત્યારે જ રમશે. જોકે, એવું જાણવા મળ્યું હતું કે શાકિબ 100 ટકા ફિટ નહોતો અને તેથી તેને આરામ આપવામાં આવ્યો હતો.
શાકિબ અલ હસનની ગેરહાજરીમાં નજમુલ હુસેન શાંતો બાંગ્લાદેશની ટીમની આગેવાની કરી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, નજમુલ હુસેન બીજી વખત ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ઉપરાંત બાંગ્લા ટાઈગર્સે શાકિબના સ્થાને નસુમ અહેમદને પસંદ કર્યો છે કારણ કે, તે બાંગ્લાદેશના ઓલરાઉન્ડરની જેમ ડાબા હાથના સ્પિનથી બેટ્સમેનોને ચકમો આપી શકે છે.
શાકિબ અલ હસનને અત્યાર સુધી વર્લ્ડ કપમાં ત્રણ મેચ રમી છે. જેમાં તેણે 18.33 ની એવરેજથી 40 ના સર્વોચ્ચ સ્કોર સાથે 55 રન બનાવ્યા છે. ઉપરાંત તેણે કુલ પાંચ વિકેટ પણ લીધી છે. બાંગ્લાદેશ આશા રાખશે કે તેનો સ્ટાર ઓલરાઉન્ડર 24 ઓક્ટોબર મંગળવારના રોજ મુંબઈમાં ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ફિટ થઈ જાય.