- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સુકાની પદ છોડશે
- નવેમ્બરમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ પછી વિરાટ સુકાની પદ છોડશે
- હવે ક્રિકેટર રોહિત શર્માને ટીમના કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ગુરુવારે આગામી નવેમ્બરમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ પછી ભારતની ટી-20 ટીમનું સુકાની પદ છોડવાની જાહેરાત કરી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તો હવે ક્રિકેટર રોહિત શર્માને ટીમના નવા સુકાની બનાવાય તેવી શક્યતા છે. 32 વર્ષીય વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના સફળ સુકાનીમાંથી એક છે. વિરાટે આ મુદ્દા પર રોહિત અને ટીમ મેનેજમેન્ટથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી લાંબી વાત કરી હતી. ટી-20 વર્લ્ડ કપની મેચ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી UAE અને ઓમાનમાં થશે.
આ પણ વાંચો- IPLનું સુરક્ષિત આયોજન કરવા BCCIએ 100 સભ્યોની મેડીકલ ટીમ બનાવી
રોહિત શર્મા પોતાની સુકાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલનો ખિતાબ અપાવી ચૂક્યો છે
આ અંગે મળતી માહિતી અનુસાર, વિરાટ કોહલીનું માનવું છે કે, તેણે પોતાની બેટિંગ પર ધ્યાન આપવા અને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનવા માટે પરત જવાની જરૂર છે. રોહિત શર્મા પોતાની સુકાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલનો ખિતાબ અપાવી ચૂક્યો છે. બીજી તરફ કોહલીએ સુકાની તરીકે અત્યાર સુધી એક પણ ICC ટ્રોફી નથી જીતી. આ ઉપરાંત તે આઈપીએલનો ખિતાબ પણ નથી જીતી શક્યો.
આ પણ વાંચો- પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિસ ગેઈલ પર આપ્યું નિવેદન, ગેઈલ જેવા ખેલાડીને ઓપનિંગમાં મોકલવો જોઈએ
ટી-20 વર્લ્ડ કપ માટે ધોનીને મહત્ત્વની જવાબદારી આપવામાં આવી
આગામી મહિને યોજાનારી ટી-20 વર્લ્ડ કપ માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને મહત્ત્વની જવાબદારી આપવામાં આવી છે. તેમની ટીમનો મેન્ટર બનાવવામાં આવ્યા છે. કોહલીની સુકાનીમાં ટીમ ઈન્ડિયા 2017 ચેમ્પિયન ટ્રોફી, 2019 વન-ડે વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં મેદાને ઉતરી હતી, પરંતુ એક પણ ખિતાબ જીતી નહતી શકી. તેવામાં તેને મદદ કરવા માટે ધોનીને ટીમની સાથે જોડવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયા 8 વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે
ટીમ ઈન્ડિયા 8 વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. ટીમે છેલ્લી વખત વર્ષ 2013માં મહેન્દ્રસિંહ ધોનીની સુકાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીએ ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ત્રણેય ખિતાબ અપાવ્યા છે. આટલું જ નહીં તેમણે ચેન્નઈ સુપર કિંગ્સને પણ ત્રણ વખત IPLનું ટાઈટલ અપાવ્યું છે.
રોહિત શર્માને ટીમની સાથે તૈયાર થવાનો સમય મળશે
આગામી મહિને યોજાનારી ટી-20 વર્લ્ડ કપ સિવાય આગામી 2 વર્ષ પણ વર્લ્ડ કપ યોજાશે. વર્ષ 2022માં ટી-20 વર્લ્ડકપની મેચ ઓસ્ટ્રેલિયામાં રમાશે. ત્યારબાદ વર્ષ 2023માં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ મેચ યોજાશે. તેવામાં રોહિત શર્માને ટીમની સાથે સંપૂર્ણ રીતે તૈયાર થવાનો સમય મળશે. આ કારણે રોહિતને ટૂંક જ સમયમાં કેપ્ટન બનાવાય તેવી કવાયત ચાલી રહી છે.