- હાલમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ મેળવી છે કે. એલ. રાહુલે
- અત્યાર સુધીમાં 66.20 ની સરેરાશથી 331 રન બનાવ્યા
- એપેન્ડિક્સના દુઃખાવાના કારણે હોસ્પિટલમાં, સર્જરી કરાશે
અમદાવાદ: પંજાબ કિંગ્સ (PBKS)ના કપ્તાન કે. એલ. રાહુલને તીવ્ર એપેન્ડિસાઈટિસ છે. જેના કારણે તેમને અમદાવાદની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. PBKSનો રવિવારે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC)નો સામનો કરવાનો છે.
શનિવારે રાત્રે જ પેટમાં દુઃખાવાની કરી હતી ફરિયાદ
PBKSએ તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, કે. એલ. રાહુલે શનિવારે રાત્રે પેટમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરી હતી. તેને દવાની અસર પણ નહોતી થતી. જ્યારબાદ કરવામાં આવેલા કેટલાક પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે, તે એપેન્ડિસાઈટિસથી ગ્રસ્ત છે. આ સર્જીકલ રીતે ઉકેલાશે અને આ માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાહુલે પોતાની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે PBKSના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાહુલે 57 બોલમાં અણનમ 91 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સથી તેને ઓરેન્જ કેપ લેવામાં મદદ મળી હતી. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 66.20 ની સરેરાશથી 331 રન બનાવ્યા છે.