અબુ ધાબીઃ સનરાઈઝર્સ હૈદરાબાદે મંગળવારે શેખ ઝાએદ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 15 રનથી હરાવી આઈપીએલ-13માં પહેલી જીત મેળવી લીધી છે. હૈદરાબાદની શાનદાર જીત પછી ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે ડેથ ઓવરોમાં બોલર્સ દ્વારા કરવામાં આવેલી બોલિંગના ખૂબ વખાણ કર્યા હતા. છેલ્લી ઓવરોમાં દિલ્હીના ઋષભ પંત, શિમરન હેટમાયેર અને માર્ક્સ સ્ટોઈનિસ હૈદરાબાદના ધૂરંધર બોલરોની સામે રન ના બનાવી શક્યા.
સનરાઈઝર્સ હૈદરાબાદના સ્કિપર ડેવિડ વોર્નરે જણાવ્યું કે, બે વખત હારનો સામનો કર્યા બાદ તેમની ટીમે ડેથ ઓવરમાં રમવા માટે ખૂબ જ મહેનત કરી હતી. જો કે, આઈપીએલમાં હૈદરાબાદ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. હૈદરાબાદની ટીમ પહેલી વાર રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને બીજી વાર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી હતી. મિશેલ માર્શ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો એટલે અમે વિચારી રહ્યા હતા કે, હવે ઓવર કેવી રીતે ફેંકવી. જ્યારે યુવા બોલર અભિષેક શર્માએ સારી બોલિંગ કરી હતી. છેલ્લી ચાર ઓવરમાં દિલ્હીને જીત માટે 49 રનની જરૂરિયાત હતી, પરંતુ હૈદરાબાદના બોલરોએ તેમના માટે આ લક્ષ્ય અઘરો બનાવી દીધો. ખાસ કરીને ભૂવનેશ્વર કુમાર અને રાશિદ ખાનની બોલિંગ સામે રન બનાવતા બનાવતા દિલ્હીની ટીમને પસીનો છૂટી ગયો હતો.
ડેવિડ વોર્નરે બોલરો માટે કહ્યું કે, અમે ડેથ ઓવરોમાં બોલિંગ કરવા રાતદિવસ મહેનત કરી છે. છેલ્લી ઓવરમાં સૌથી સારી બોલિંગ રહી. અમે જેવી રીતે વિકેટોની વચ્ચે દોડ લગાવી તેના માટે અમે ખુશ છીએ. અમને જ્યારે બાઉન્ડ્રીથી રન નહતા મળતા તો અમે રન દોડીને બનાવી લીધા.