- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઑવલમાં ચોથી ટેસ્ટ મેચ
- ભારતે પહેલી ઇનિંગમાં 191 રન બનાવ્યા છે
- ઇંગ્લેન્ડનો પહેલી ઇનિંગનો સ્કોર 139/5
- બેયરસ્ટો (34) અને ઑલી પોપ (38) રમતમાં
લંડન: ક્રિસ વૉક્સ (4/55)ની શાનદાર બોલિંગના જોરે ઇંગ્લેન્ડે ઑવલમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પહેલા દિવસ ગુરૂવારના ભારતને પહેલી ઇનિંગમાં 191 રન પર ઑલઆઉટ કરી દીધું હતું. ઇંગ્લેન્ડે દિવસના અંતે પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા હતા. ત્યારબાદ આજે ઇંગ્લેન્ડે 53 રનના સ્કોરે ઑવરટોન અને 62 રનના સ્કોર પર ડેવિડ મલાનની વિકેટ ગુમાવી. જો કે ત્યારબાદ ઑલી પોપ અને જોની બેયરસ્ટોની જોડીએ ઇંગ્લેન્ડની બાજી સંભાળી અને ટીમનો સ્કોર લંચ બ્રેક સુધી 139/5 પર પહોંચાડ્યો. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ઑલી પોપ 38 અને જોની બેયરસ્ટો 34 રને રમતમાં છે.
ઉમેશ યાદવની શાનદાર બૉલિંગ
બીજા દિવસની બંને વિકેટ ઉમેશ યાદવના નામે રહી. ઉમેશ યાદવે 3 વિકેટ અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી છે. ભારતને પહેલી ઇનિંગમાં સસ્તામાં ઑલઆઉટ કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી નહીં અને તેણે 6 રનના સ્કોર પર રોરી બર્ન્સ (5) અને હસીબ હમીદ (0)ની વિકેટ ગુમાવી. ત્યારબાદ ઉમેશ યાદવે જો રૂટને બોલ્ડ કરીને ઇંગ્લેન્ડને ત્રીજો ઝાટકો અપાવ્યો. રૂટે 25 બૉલમાં 4 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા.
ભારતીય બેટ્સમેનો ફરી એકવાર નિષ્ફળ
આ પહેલા ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ના રહી અને તેણે ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (11)ની વિકેટ કુલ 28 રન પર ગુમાવી. ત્યારબાદ લોકેશ રાહુલ પણ રોબિન્સનની બોલ પર એલબીડબલ્યૂ આઉટ થયો. રાહુલે 44 બૉલમાં 3 ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા. ચેતશ્વર પૂજારા 4 અને રવિન્દ્ર જાડેજા 10 રન બનાવીને આઉટ થયા હતા.
શાર્દુલ ઠાકુરે ટીમને મુશ્કેલીમાંથી ઉગારી
ત્યારબાદ કેપ્ટન કોહલીએ ટીમની ઇનિંગને આગળ વધારતા 100નો સ્કોર પાર કરાવ્યો, પરંતુ તે પણ અડધી સદી ફટકાર્યા બાદ તરત જ આઉટ થયો. કોહલીએ 96 બૉલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. કેપ્ટનના આઉટ થયા બાદ અજિંક્ય રહાણે (14) રન બનાવીને આઉટ થયો અને ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઈ. ઋષભ પંત પણ (9 રન) ફરી એકવાર નિષ્ફળ ગયો. જો કે ત્યારબાદ શાર્દુલ ઠાકુરે 36 બૉલમાં તાબડતોડ 57 રન બનાવીને ભારતીય ટીમને સન્માજનક સ્કોર પર પહોંચાડી. ઇંગ્લેન્ડ તરફથી વૉક્સે 4, રૉબિન્સને 3, એન્ડરસન અને ઑવરટોને 1-1 વિકેટ ઝડપી.