નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની બીજી મેચ 11 બોલ બાકી રહેતા 6 વિકેટથી જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમ ગ્રુપ બીમાં ટોચના સ્થાને યથાવત છે. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 118 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18 ઓવરમાં 4 વિકેટના નુકસાને 119 રન બનાવીને 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દીપ્તિ શર્માએ મેચમાં 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 3.75 હતો. મેચમાં તેણે 12 ડોટ બોલ નાખ્યા, જ્યારે તેના બોલ પર માત્ર 1 ચોગ્ગો લાગ્યો.
આ પણ વાંચો:Womens T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયા વિનર, હરમનપ્રીતે કહ્યું ક્રેડિટ ગોઝ ટુ ટીમ
પૂનમ યાદવને પાછળ છોડી દીધી: આ સાથે દીપ્તિ શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી કરી લીધી છે. તે T20 ફોર્મેટમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે 98 વિકેટ લેનારી પૂનમ યાદવને પાછળ છોડી દીધી છે. દીપ્તિ શર્માએ એફી ફ્લેચરને બોલ્ડ કરીને વિકેટની પોતાની સદી પૂરી કરી હતી. આ વિકેટ સાથે તેણે ICC રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. દીપ્તિએ 89 મેચ રમી અને 19.07ની એવરેજથી 100 વિકેટ પૂરી કરી.
આ પણ વાંચો:WPL Auction 2023: WPLમાં દેખાશે બરોડિયન ક્રિકેટરનો જાદૂ, યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવની થઈ પસંદગી
T20 મેચોમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય: દીપ્તિએ 2016માં ભારત માટે T20 ડેબ્યૂ કર્યું હતું. દીપ્તિએ તેની પહેલી જ મેચમાં 4 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. તેનું સર્વોચ્ચ પ્રદર્શન 10 રનમાં 4 વિકેટ છે. આ સાથે જ દીપ્તિ શર્મા T20 ઈન્ટરનેશનલ મેચમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગઈ છે. પુરૂષ ક્રિકેટ ટીમમાં પણ કોઈ ખેલાડી આવી સિદ્ધિ કરી શક્યો નથી. સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે 91 અને ભુવનેશ્વર કુમારના નામે 90 વિકેટ છે. સૌથી વધુ 125 વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની અનીસા મોહમ્મદના નામે છે.