- BCCI અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ વચ્ચેની બેઠકમાં લેવાયો નિર્ણય
- ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ રદ્દ કરવામાં આવી
- ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
ન્યૂઝ ડેસ્ક: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારના રોજ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાનારી હતી. જોકે, ભારતીય ક્રિકેટ ટીમમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને બન્ને ક્રિકેટ બોર્ડની સહમતિથી અંતિમ ટેસ્ટને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં મેચ કેટલા દિવસ માટે ટાળી શકાય, તે અંગે કરાઈ ચર્ચા
BCCIના તેમજ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે શુક્રવારે યોજાયેલી બેઠકમાં ભારતીય ટીમમાં પ્રસરેલા કોરોના સંક્રમણના ઉદગમસ્થાન અને મેચ કેટલા દિવસ માટે ટાળી શકાય, તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. BCCIનું કહેવું છે કે, તેમને એક દિવસ માટે મેચ મોડી યોજાય તે માન્ય છે, પરંતુ આ સમય એક દિવસ કરતા વધારે પણ હોઈ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં કુલ 5 કોરોના સંક્રમણના કેસ
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી તેમજ સપોર્ટ સ્ટાફના 3 સદસ્ય ચોથી ટેસ્ટ મેચ દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. જ્યારબાદ ટીમના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ મેચ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. આમ, ભારતીય ટીમના સદસ્યોમાં કોરોના સંક્રમણના કુલ 5 કેસ જોવા મળતા બન્ને ક્રિકેટ બોર્ડ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં અંતિમ મેચને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ટેસ્ટ સિરીઝમાં આગળ ચાલી રહી છે ભારતીય ટીમ
ભારતીય ટીમ માટે પાંચ ટેસ્ટની આ સિરીઝ ઐતિહાસિક રહી છે. અત્યાર સુધી રમવામાં આવેલી 4 મેચમાં ભારત 2-1થી આગળ છે. જો વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમને સિરીઝ જીતવામાં સફળતા મળશે, તો તેઓ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ભારતના નામે કરનારા પ્રથમ ભારતીય કપ્તાન બની જશે.