સિડનીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ વરસાદના વિઘ્ન વચ્ચે સિડનીમાં રમાયેલી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 5 રને પરાજય આપીને છઠ્ઠી વખત મહિલા ટી-20 વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 8 માર્ચે મેલબર્નમાં રમાનારી ફાઈનલ મેચમાં તેનો સામનો ભારત સામે થશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 134 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ ફરી વરસાદ આવતા આફ્રિકાને 13 ઓવરમાં 98 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 13 ઓવરમાં 5 વિકેટે 92 રન બનાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ છઠ્ઠી વખત મહિલા ટી-20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2010, 2012, 2014, 2016 અને 2018માં ફાઈનલમાં પહોંચી ચુક્યું છે. ઓસ્ટ્રેલિયા આ પહેલા 2010, 2012, 2014 અને 2018માં ચેમ્પિયન પણ બની ચુક્યું છે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ પૂરી થયા બાદ આફ્રિકાને 13 ઓવરમાં 98 રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાની ટીમને પ્રથમ ઝટકો લેજેલી લીના રૂપમાં લાગ્યો હતો. લેજેલીએ 10 રન બનાવ્યા હતા. બીજી વિકેટ કેપ્ટન નિકેર્કના રૂપમાં પડી હતી. જે 12 રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ ત્રીજો ઝટકો ડિપ્રીઝના રૂપમાં લાગ્યો જે શૂન્ય રન પર આઉટ થઈ હતી.