નવી દિલ્હી: પાકિસ્તાનના બોલિંગ કોચ વકાર યુનુસે પોતાના સાથી શાહિદ આફ્રિદી અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર અંત લાવવા કહ્યું છે. વકારે સલાહ આપતા કહ્યું કે, "ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી છે. મને લાગે છે કે, બંનેએ સમજદારી અને શાંતચીતે વાત કરવાની જરૂર છે."
વકારે કહ્યું કે, 'જો તમે સોશિયલ મીડિયા પર આવું કરશો, તો લોકો તમને પસંદ નહીં કરે. મને લાગે છે કે બંનેએ સમજદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. બંનેએ મળીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. શક્ય હોય તો બંને શાંત રહે.
વકારે એક સવાલના જવાબમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાને શ્રેણી નિયમિતપણે રમવી જોઈએ. જો બંને દેશના લોકોને પૂછો કે, શું ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવી જોઈએ તો લગભગ 95 ટકા લોકો સંમત થશે, હવે નજીકના ભવિષ્યમાં બંને દેશો દ્વિપક્ષીય શ્રેણીમાં રમશે.
મહત્વનું છે કે, રાજનીતિથી લઈને ક્રિકેટ કારકિર્દી સુધીના સોશિયલ મીડિયા પર ગંભીર અને આફ્રિદી વચ્ચે વિવાદ ચાલ્યો છે. આફ્રિદીએ પોતાની આત્મકથામાં પણ ગંભીર પર કટાક્ષથી લખ્યું હતું કે, ગંભીર જાણે ડોન બ્રેડમેન અને જેમ્સ બોન્ડ હોય એમ વર્તે છે. ગંભીરનું વલણ આક્રમક છે, પરંતુ ક્રિકેટમાં રેકોર્ડ સારા નથી."
બીજી તરફ ગંભીરે જવાબમાં કહ્યું હતું કે, આફ્રિદીએ પોતે એક મનોચિકિત્સક પાસે જવું જોઈએ. આફ્રિદીએ ગયા મહિને કાશ્મીર અને ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ભારત વિરોધી ટિપ્પણી કરી હતી, ત્યારબાદ પૂર્વ ભારતીય ખેલાડીઓ યુવરાજ સિંહ અને હરભજનસિંહે આફ્રિદી સાથેના સંબંધો તોડી નાખ્યા હતાં. આ અગાઉ પંજાબના બંને ખેલાડીઓએ આફ્રિદીની એનજીઓને ટેકો આપ્યો હતો.