નવી દિલ્હી: ભૂતપૂર્વ અમ્પાયર સ્ટીવ બકનરે 2003માં ગાબા ખાતે રમાયેલી મેચને યાદ કરી હતી. જેમાં તેમણે સચિનને ખોટી રીતે એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો. બકનરે કહ્યું કે, જેસન ગિલેસ્પીના સતત બે બોલ સ્ટમ્પ ઉપરથી જતાં હતાં. બકનરે 2005ની ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતેની મેચમાં પણ અબ્દુલ રઝાકના બોલ પર સચિનને ખોટો કેચ આઉટ આપ્યો હતો. આમ, અમ્પાયર બકનરે બંને મેચને યાદ કરી પોતાની ભૂલ સ્વીકારી હતી.
બકનરે એક રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે, "મેં સચિનને બે વાર ખોટી રીતે આઉટ આપ્યો હતો. એ બે મારી ભૂલો હતી. મને નથી લાગતું કે કોઈ અમ્પાયરથી ભૂલ થયાં બાદ તેનું ભવિષ્ય બરબાદ થઈ ગયું હોય. ભૂલ માનવીથી જ થાય છે. એકવાર ઓસ્ટ્રેલિયામાં મેં સચિનને એલબીડબ્લ્યુ આઉટ આપી દીધો હતો, જ્યાં બોલ સ્ટમ્પ્સ ઉપર થઈ જતો હતો.
બીજી વખત ભારતમાં મેં સચિનને કેચ આઉટ આપી દીધો હતો. જે બેટ ઉપરથી પસાર થયો હતો, ત્યારબાદ બોલની દિશા બદલાઈ ગઈ હતી. આ મેચ ઇડન ગાર્ડન ખાતે રમાઈ હતી. જો તમે ઈડન ગાર્ડન જેવા મેદાનમાં છો અને ભારત બેટિંગ કરે છે તો તમે બેટ-બોલનો અવાજ સાંભળી શકતા નથી."
બકનરે વધુમાં કહ્યું કે, આજે કેટલાય દર્શકો મારા પર સવાલો ઉઠાવી રહ્યાં છે. હા મારી ભૂલો હતી, જેનાથી હું નાખુશ નથી, પણ મનુષ્ય જ ભૂલો કરે છે, મેં મારી ભૂલો સ્વીકારી."