ન્યૂઝ ડેસ્કઃ ભારતે આજના દિવસે જ 9 વર્ષ પહેલા શ્રીલંકાને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હરાવી 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો હતો. આજે સવારથી જ ફેન્સ ટ્વિટર પર ધોનીએ ફટકારેલી વિનિંગ સિક્સની ક્લિપથી તે ઐતહાસિક દિવસને યાદ કરી રહ્યાં છે.
આ વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ ભારત માટે ઘરઆંગણે રમાતી હોવાથી શરૂઆતથી ભારત હોટ ફેવરિટ તરીકે મેદાને ઉતર્યું હતું. જો કે, ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા એકમાત્ર સાઉથ આફ્રિકા સામે હાર્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડ સામેની મેચ ટાઇ થઇ હતી.
છેલ્લે મહામુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ જયવર્દનેની સદી સાથે 50 ઓવરમાં 6 વિકેટે 274 રન કર્યા હતા. જેથી ભારતે રનચેઝમાં 31 રનમાં સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગની વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરીને મેચમાં ભારતની વાપસી કરી હતી.
જો કે, કોહલી પોતે 35 રને આઉટ થયો હતો, ત્યારબાદ ગંભીર અને આખી ટૂર્નામેન્ટમાં આઉટ ઓફ ફોર્મ રહેલા ધોનીએ ચોથી વિકેટ માટે 109 રનની પાર્ટનરશીપ કરીને મેચ ભારતના નામે કરી હતી. ગંભીરે 122 બોલમાં 9 ફોરની મદદથી 97 રનની શાનદાર ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો.
ગંભીરના આઉટ થયા બાદ ધોનીએ યુવરાજ સાથે મળીને મેચને પુરી કરી હતી. ધોનીએ 79 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી અણનમ 91 રનની ધમાકેદાર ઇનિંગસ રમી હતી. યુવરાજ પણ 21 રને અણનમ રહ્યો હતો. ભારતને મેચ જીતવા માટે 11 બોલમાં 4 રનની જરૂર હતી ત્યારે ધોનીએ કુલસેકરાની બોલિંગમાં લોન્ગ-ઓન પર સિક્સ મારીને તે ક્ષણને, પોતાને અને ભારતીય ટીમને ક્રિકેટની હિસ્ટ્રી બુકમાં હંમેશા માટે અમર કરી દીધા હતા. આમ, લાસ્ટ બોલ સાથે જોડાયેલી યાદો આજે પણ ફેન્સના રૂંવાતા ઉભા કરી દે છે.