મુંબઈ: ભારતે 25 જૂન 1983ના દિવસે પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો હતો. આજે ભારતની યાદગાર જીતની 37મી વર્ષગાંઠ છે. શ્રીકાંતે એક સ્પોર્ટસ ચેનલમાં ફાઈનલની પૂર્વસંધ્યાને યાદ કરતા કહ્યું કે, મને યાદ છે કે ફાઈનલની પૂર્વસંધ્યા પર બોર્ડના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. તેમણે કહ્યું કે, કાલની ફાઈનલ મેચ વિશે ચિંતા ન કરો. તમે લોકો આટલા દુર સુધી આવ્યા છો, જે પોતાનામાં એક શાનદાર ઘટના છે. તેમણે ખેલાડીઓ માટે 25,000 રુપિયાના બોનસની જાહેરાત કરી હતી. આ સાંભળી અમે સૌ ખુબ ખુશ થયા હતા.

સાથે જ શ્રીકાંતે 183 રનના સ્કોરનો બચાવ કરવા મેદાન પર ઉતર્યા પહેલા ડ્રેસિંગ રુમના માહોલ વિશે પણ વાત કરી હતી. પૂર્વ બેટ્સમેને કહ્યું કે, વેસ્ટઈન્ડીઝની બેટિંગ લાઈન-અપ અને અમારા 183 રનનો સ્કોર જોતાં અમને કોઈ આશા નહોતી પરંતુ કપિલદેવે એક વાત કહી હતી. તેમણે એવુ નહોતું કહ્યું કે, આપણે જીતી શકીએ પણ તેમણે કહ્યું કે, જો આપણે 183 રનમાં આઉટ થઈ ગયા છે અને આપણે પડકાર રજૂ કરવો જોઈએ, મેચ સરળતાથી ગુમાવી ન જોઈએ.

તેમણે આ જીતને ભારતીય ક્રિકેટ માટે ટર્નિંગ પોઈન્ટ જણાવતા કહ્યું કે, આ ભારતીય ક્રિકેટ અને ભારતીય માટે ટર્નિંગ પોઈન્ટ હતો. એવા સમયે જ્યારે ક્રિકેટમાં વેસ્ટઈન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અન્યનો દબદબો હતો. ત્યારે અંડરડૉગ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
