હૈદરાબાદઃ દિલ્હી કેપિટલ્સના સ્પિનર અક્ષર પટેલે 5 વર્ષ સુધી કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમ્યા બાદ પોતાની નવી ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમમાં પોતાને સ્થાન અપાવવા માટે કેપ્ટન શ્રેયસ અય્યરને શ્રેય આપ્યો છે.
આ ડાબેરી 26 વર્ષીય સ્પિનરને IPL 2019ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ટીમની સાથે પોતાના પ્રથમ સત્રમાં જ તેમણે 10 વિકેટ પ્રાપ્ત કરવા ઉપરાંત 110 રન પણ બનાવ્યા હતા.
ફ્રેન્ચાઈઝીના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ સત્ર દરમિયાન અક્ષરે કહ્યું કે, હું શ્રેયસની સાથે ભારત-A માટે રમ્યો છું અને જ્યારે હું દિલ્હી કેપિટલ્સમાં આવ્યો, ત્યારે મારા માટે વસ્તુઓ સરળ થઇ ગઇ હતી. કારણ કે, અમારા વચ્ચે ઘણી સારી સમજ છે.
તેમણે કહ્યું કે, મેદાનમાં તે પોતાના બોલરોને સ્વતંત્રતા આપે છે અને તમને તમારા ફીલ્ડિંગ સેટ કરવાની મંજૂરી આપે છે. તેમની અંદર ખૂબ ધૈર્ય છે અને મેં તેમના નૈતૃત્વમાં રમવાનો આનંદ ઉઠાવ્યો છે.
અક્ષરે કહ્યું કે, હરાજીના સમયે તે પોતાના ભવિષ્ય અંગે ચિંતિત હતા. તેમણે કહ્યું, શરૂઆતમાં હું થોડો ચિંતિત હતો. કારણ કે, મેં પંજાબ ફ્રેન્ચાઈઝીમાં 5 વર્ષ વિતાવ્યા હતાં અને હું મારા ભવિષ્ય અંગે કાંઈ નહોતો જાણતો, પરંતુ જ્યારે દિલ્હી કેપિટલ્સે મારી પસંદગી કરી, ત્યારે હું ખૂબ રોમાંચિત હતો. કારણ કે, ટીમ સાથે ઘણા એવા ખેલાડીઓ જોડાયેલા હતા, જેમની સાથે હું પહેલાં રમી ગયો હતો.