નવી દિલ્હી: નેશનલ સ્પોર્ટસ એવોર્ડ પસંદગી સમિતિએ ક્રિકેટર રોહિત શર્મા, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને થાંગાવેલુની રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરી છે. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે ખેલ રત્ન એવોર્ડ માટે સંયુક્ત રૂપે ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
આ અંગે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પસંદગી સમિતિની બેઠક ચાલી રહી છે, જેમાં અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓના નામ પણ જાહેર કરવામાં આવશે.
ઈતિહાસમાં ખેલ રત્ન એવોર્ડ મેળવનારા રોહિત શર્મા ચોથા ભારતીય ક્રિકેટર બનશે. આ અગાઉ સચિન તેંડુલકર (1997-98), એમ.એસ. ધોની (2007), વિરાટ કોહલીને (2018) આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ એવોર્ડ ખેલાડીને તેના છેલ્લા ચાર વર્ષના આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનના આધારે આપવામાં આવે છે. જેમાં પ્રમાણપત્ર, શાલ ઉપરાંત ખેલાડીને 7.50 લાખ રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવે છે.