ઈન્દોર: IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લાએ શુક્રવારે કહ્યું કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસે હજુ ઘણું ક્રિકેટ બાકી છે, પરંતુ તેમણે જાતે જ પોતાની નિવૃત્તિ અંગે નિર્ણય લેવો પડશે.
શુક્લાએ પત્રકારોને કહ્યું કે, 'ધોની એક મહાન ખેલાડી છે અને તેની પાસે હજુ ઘણું ક્રિકેટ બાકી છે, પરંતુ તેણે પોતાની નિવૃત્તિનો સમય જાતે નક્કી કરવો પડશે. કોઈપણ ખેલાડી અંગે BCCIની નિશ્ચિત નીતિ એ છે કે, તેણે જાતે જ નિર્ણય લેવો પડે કે તે ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લેવા માગે છે.'
ઉલ્લેખનીય છે કે, ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં 38 વર્ષીય વિકેટકીપર બેટ્સમેનના ભવિષ્ય અંગે અટકળોનો સમય ચાલી રહ્યો છે. 2 વખત વિશ્વનો ખિતાબ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન રહેલા ધોની, ઈંગ્લેન્ડમાં 2019ના વર્લ્ડકપમાંથી ભારત બહાર નીકળ્યા બાદથી રમતથી દૂર છે. ધોની માર્ચના અંતમાં શરૂ થનારી IPLમાં પાછા આવે તેવી સંભાવના છે. જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સની આગેવાની કરવાની જવાબદારી સંભાળશે.
નોંધનીય છે કે, BCCIએ 2020 માટે વાર્ષિક ખેલાડીઓના કરારની જાહેરાત કરી હતી. જેમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ સામેલ નથી. આ યાદીમાં ધોનીનું નામ ન આવવાથી તેમના ભવિષ્ય અંગેની અટકળો ફરી એક વખત તીવ્ર બની હતી.
કેપ્ટન તરીકે ધોની
વર્ષ 2007માં T-20નો પ્રથમ વર્લ્ડકપ રમવામાં આવ્યો હતો. એટલા મોટા ટૂર્નામેન્ટમાં કેપ્ટનની જવાબદારી યુવા ધોનીને આપવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ T-20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો.
ધોનીને વનડે-ટેસ્ટની કપ્તાની પણ કરી. જેમાં ધોનીએ ભારતને ICC 2011 વર્લ્ડકપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી હતી. આ કામ કરનારો તે વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે.