નવી દિલ્હી: ભૂતપૂર્વ ઝડપી બોલર ઈરફાન પઠાણ 4 જાન્યુઆરી 2020ના રોજ રમતના તમામ ફોરમેટમાંથી નિવૃત્ત થયો છે, જ્યારે સુરેશ રૈના હજૂ પણ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવા માટે રાહ જોઈ રહ્યો છે. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ-2017માં રમી હતી.
ટીમમાં વાપસી કરવાની તક
પઠાણ સાથેના ઈન્સ્ટાગ્રામ પર વાત કરતા રૈનાએ કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, રાષ્ટ્રીય ટીમમાં કરાર ન કરનારા ખેલાડીઓને બહાર રમવાની છૂટ મળે તેની ખાતરી કરવા માટે BCCI, ICC અને ફ્રેન્ચાઇઝી સાથેની રણનીતિ તૈયાર કરશે. અમને ફક્ત બે જુદી જુદી વિદેશી લીગમાં રમવા માટેની પરવાનગી મળી શકે છે. જો આપણે વિદેશી લીગમાં સારું પ્રદર્શન કરીને ટીમમાં વાપસી કરી શકીએ.
પઠાણ આ સિઝનમાં જમ્મુ-કાશ્મીર ટીમનો કોચ હતો. ઈરફાન પઠાણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમની પાસે 3 લીગ માટેની દરખાસ્ત હતી.
મારી પાસે ત્રણ લીગની ઓફર હતી
ઈરફાન પઠાણે જણાવ્યું કે, જ્યારે જમ્મુ-કાશ્મીરની ટીમે મારી સાથે વાત કરી, ત્યારે મારી પાસે ત્રણ લીગની ઓફર હતી. હું પહેલી ટીમનું નામ નહીં લઉં. મેં તેમને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. બીજો પ્રસ્તાવ કેરેબિયન પ્રીમિયર લીગનો હતો. ત્રીજી દરખાસ્ત ટી-10 લીગની હતી. મારા હાથમાં કરાર હતો, મારે મંજૂરી મેળવીને નિવૃત્ત થવાનું હતું.
ઈરફાને જણાવ્યું કે, તાજેતરમાં મારે સંન્યાસ લેવો હતો. હું નિયમોને સમજવા માટે બીસીસીઆઈના ચક્કર લગાવી રહ્યો હતો, પરંતુ મને લાગ્યું કે જમ્મુ-કાશ્મીર ક્રિકેટની સેવા આપવી એ સારી તક છે.